પાવીજેતપુર ભારજ બ્રિજ પાસે ૪ કરોડનું નવીન ડાયવર્ઝન મંજુર થતાં જનતામાં આનંદ
પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. ત્યાં ફરીથી ૪ કરોડ જેટલા ખર્ચે નવીન ડાયવર્ઝન બનાવવામાં આવનાર છે. નવીન ડાયવર્ઝન મંજુર થતાં જનતામાં આનંદની લાગણી જોવાઈ રહી છે.
ભારજ પુલ પાસે પાંચ માસ અગાઉ નદીના પટમાં ડાયવર્ઝન ૨.૩૪ કરોડના ખર્ચે બનાવ્યું હતું જે ૨૪ ઓગસ્ટના રોજ સામાન્ય પાણી આવતા જ ધોવાઈ ગયું છે. જેને લઇ રસ્તો જ બંધ થઈ જવા પામ્યો છે. જનતાને તંત્રની નિષ્કાળજીના કારણે અડધો કિલોમીટર પુલના સ્થાને ૪૦ કીમી નો ફેરો ફરવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના નેતાઓ નું એક સમૂહ રોડ ખાતાના મંત્રીને દિલ્હી સુધી મળી આવ્યા હોય ત્યારે ચાર કરોડનું નવીન ડાયવર્ઝન મંજૂર કરવામાં આવ્યું છે. હજુ સુધી ૪૩ કરોડ રૂપિયા જેટલાના ખર્ચે બનનાર પુલની મંજૂરી આપવામાં આવી નથી. સંબંધિત અધિકારીને ડાયવર્ઝન અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડરિંગનો પ્રોસેસ કરી દેવામાં આવ્યો છે શક્ય છે તો દસ દિવસમાં કામની શરૂઆત થઈ જાય તેમજ ત્રણ માસની મર્યાદા હોય છે. પરંતુ ઝડપથી આ ડાયવર્ઝન બની જાય અને છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને ૩૦ કી.મી. જેટલો ફેરો ન ફરવો પડે તેવું આયોજન કરવામાં આવનાર છે.
આમ, ભારજ બ્રિજ પાસે ૪ કરોડ જેટલા ખર્ચે નવીન ડાયવર્ઝન બનનાર છે જે વેળાશર બને તેમ જનતા ઈચ્છી રહી છે.
કેટલાક જાણકારો ડ્રાઇવરજનના સ્થાને ચેકડેમ બનાવવામાં આવે અને ઉપરથી બે ગાડીઓ પસાર થઈ શકે તેવું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સામાન્ય રીતે ગમે તેટલા રૂપિયાનું ડાયવર્ઝન બનાવવામાં આવશે પરંતુ રેતી ખનન એટલું થયું છે કે ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને નદીના પટમાં જેવું પાણીનો પ્રવાહ વહેતો થશે કે ફરીથી આ ડાયવર્ઝન ઊંચું થઈ જશે, હાલ આ ડાયવર્ઝન બનાવી દેવામાં આવે પણ તેની નજીક ચેક ડેમ બનાવી દેવામાં આવે જેથી કરી પાણીનો સંગ્રહ થાય તેમજ આજુબાજુના આઠથી દસ ગામોના પાણીના સ્તર ઉંચા આવશે જેમાં સિંચાઈ પણ સારી રીતે થઈ શકશે તેમજ જે દર ચોમાસામાં આ ડાયવર્ઝન ધોવાઈ જવાનો પ્રશ્ન છે તે પણ હલ થઈ જશે. પુલ મંજૂર થશે અને બનશે તેમા જ ત્રણથી ચાર વર્ષ સ્વભાવિક રીતે નીકળી જશે અને દર ચોમાસે આ ડાયવર્ઝન ધોવાઈ જશે ત્યારે કાયમી સોલ્યુશન આવે તેવું જિલ્લાના વડાઓ ધ્યાન આપી ચેકડેમ બનાવી ઉપરથી બે ગાડીઓ પસાર થઈ શકે તેવું આયોજન કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો તંત્ર આ અંગે ઘટતું કરે તે પણ ખૂબ જરૂરી છે.