પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામેથી એલસીબીએ ₹ ૨,૭૫,૯૭૦ /- નો વિદેશી દારૂ તેમજ પાંચ લાખની ગાડી સાથે એકની કરેલી અટક
પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામેથી બાતમી આધારે છોટાઉદેપુર એલસીબી પોલીસે બિયરના ટીન તેમજ ક્વાર્ટરિયા મળી કુલ નંગ ૨૦૫૪ કિંમત રૂપિયા ૨,૭૫,૯૭૯/- નો વિદેશી દારૂ તેમજ દારૂની હેરફેર કરવામાં વપરાયેલી બોલેરો પીકપ ગાડી ની કિંમત ૫,૦૦,૦૦૦/- મળી કુલ ૭,૦૮,૯૭૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમની અટક કરવામાં આવી છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા ચાર ઈસમોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
છોટાઉદેપુર એલસીબી પોલીસને ખાનગી બાતમી દ્વારા ખબર પડી હતી કે એક બોલેરો પીકપ ગાડીમાં અંડર ગ્રાઉન્ડ ખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ ભરીને છોટાઉદેપુર થી ડુંગરવાંટ થઈ ડભોઇ તરફ જનાર છે. જે બાતમી આધારે એલસીબી પોલીસ દ્વારા મોટીબેજ ગામે રાયપુર ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે ડુંગરવાંટ તરફથી બાતમી હકીકત વાળી બોલેરો પીકપ ગાડી આવતા પોલીસે ઉભો રાખવાનો ઈશારો કરતાં પીકઅપ ગાડી થોડી આગળ જઈને ઉભી રાખી હતી. બોલેરો પીકપ ગાડીની તલાસી લેતા પીકઅપનો ટ્રોલી નો ભાગ ઊંચો કરી નીચે જોતા લોખંડનું ખાનું બનાવેલ હતું જેમાં બિયર ના ટીન નંગ ૨૬૪ તથા ક્વાટરયા નંગ ૧૭૯૦ મળી કુલ ૨૦૫૪ બોટલો મળી હતી જેની કિંમત ₹ ૨,૭૫,૯૭૦/- તેમજ ગાડી ની કિંમત ૫,૦૦,૦૦૦/- મળી કુલ ૭,૦૮,૯૭૦ ના મુદ્દામાલ સાથે પીકઅપ ચાલક મહેશભાઈ તેરીયાભાઇ ચોગડ ઉ વ ૧૯, ( રહે. મોરિયા ગામ, મધ્ય પ્રદેશ ) ની અટક કરી હતી.
એલસીબી પોલીસે વધુ તપાસ કરતા ખબર પડી હતી કે કિરણભાઈ નેવસિંગભાઈ રાઠવા, વિષ્ણુભાઈ રાઠવા બંને ( રહે. મોટી સઢલી, છોટાઉદેપુર ) નાઓ બાઈક ઉપર આગળ પાયલોટિંગ કરતા હતા. તેમજ જેમતાભાઈ મંગલાભાઈ તોમર ( રહે. સોહજી, મધ્યપ્રદેશ ) ને ત્યાંથી વિદેશી દારૂ ભર્યો હતો. તેમજ મયુરભાઈ જેના પુરા નામ ઠામની ખબર ન હોય તેઓએ આ દારૂ મંગાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર ઈસમોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આમ, પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામે રાયપુર ત્રણ રસ્તા પાસેથી છોટાઉદેપુર એલસીબીએ બાતમી આધારે ૨,૭૫,૯૭૦/- નો વિદેશી દારૂ તેમજ દારૂની હેરફેર માં વપરાયેલ બોલેરો પીકપ ગાડી ની કિંમત ૫,૦૦,૦૦૦/- મળી કુલ ૭,૦૮,૯૭૦/- ના મુદ્દામાં સાથે બોલેરો પીકપ ગાડીના ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.