નોઈડામાં મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં ઓમેક્સ સોસાયટીમાં હંગામો મચાવનારા 6 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓએ 8 ઓગસ્ટના રોજ સોસાયટીમાં હંગામો મચાવ્યો હતો. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરીને જેલ મોકલી દીધા હતા.

હકીકતમાં, નોઇડા પોલીસે મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં પીડિત મહિલા સાથે ગેરવર્તન અને ધમકી આપવા બદલ છ લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ ગાઝિયાબાદના રહેવાસી છે. પકડાયેલા શખસોના કેટલાક સાગરિતો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લોકેન્દ્ર ત્યાગી, રાહુલ ત્યાગી, રવિ પંડિત, પ્રિન્સ ત્યાગી, નીતિન ત્યાગી, ચર્ચિલ રાણા સહિત 10 થી વધુ લોકો રવિવારે રાત્રે સેક્ટર 93-બી સ્થિત સોસાયટીમાં રહેતી પીડિત મહિલાના ઘરે પહોંચ્યા હતા. આ લોકોએ શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કેસ દાખલ કરનાર મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેને ધમકી આપી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને છ લોકોની ધરપકડ કરી હતી. આ તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટે પોલીસે તમામને જેલમાં મોકલી દીધા હતા. હવે જિલ્લા અદાલતે આ તમામ છ લોકોને જામીન આપ્યા છે – પ્રિસ ત્યાગી, નીતિન ત્યાગી, લોકેન્દ્ર ત્યાગી, રાહુલ ત્યાગી, રવિ પંડિત અને ચર્ચિલ.

ઉલ્લેખનીય છે કે મહિલાએ શ્રીકાંત ત્યાગી દ્વારા સેક્ટર-93બીમાં રહેણાંક સોસાયટીમાં નિયમોના ઉલ્લંઘનનું કારણ આપીને કેટલાક વૃક્ષો વાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ ત્યાગીએ મહિલા સાથે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો અને તેને ધક્કો પણ માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આરોપી શ્રીકાંત ત્યાગી સામે હત્યાના પ્રયાસ સહિત વિવિધ કલમો હેઠળ પહેલાથી જ કેસ નોંધાયેલા છે. લગભગ 10 વર્ષ પહેલા પાકિસ્તાનના નંબરથી મળેલી ધમકી બાદ તે ચર્ચામાં આવ્યો હતો.