કપરા સમયમાં ભારતે શ્રીલંકાને મદદ કરી તે વાત જાણે શ્રીલંકા ભૂલી ગયુ હોય તેમ ભારતના વાંધો છતાં ચીનના સંશોધન જહાજ યુઆન વાંગ-5 શ્રીલંકાના હમ્બનટોટા બંદરે પહોંચી ગયું છે, ભારતના વિરોધની પરવા કર્યા વગર શ્રીલંકાની સરકારે તેને તેના બંદરે આવવાની મંજૂરી આપી હતી.

શ્રીલંકાના ડેઈલી મિરરના અહેવાલ મુજબ યુઆન વાંગ-5 આજે સવારે હમ્બનટોટા બંદરે પહોંચ્યું હતું. આ જહાજ ઉચ્ચ ટેક્નોલોજીથી સજ્જ હોવાથી ભારતને તેનાથી જાસૂસીનો ડર હતો. ભારત સરકારે આ ઉચ્ચ તકનીકી સંશોધન જહાજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે આ જહાજ ભારત વિરુદ્ધ જાસૂસી કરી શકે છે. ભારતે આ અંગે કોલંબોમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ ચિંતાઓ હોવા છતાં, ચીની સંશોધન જહાજને હમ્બનટોટાની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી. શ્રીલંકાના પોર્ટ માસ્ટર નિર્મલ પી સિલ્વાએ કહ્યું છે કે તેમને 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ચીનના જહાજને હમ્બનટોટા પોર્ટ પર બોલાવવા માટે વિદેશ મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. હંબનટોટા બંદર વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ છે. આ બંદર શ્રીલંકા દ્વારા ચીન પાસેથી ઉધાર પૈસા લઈ વિકસાવવામાં આવ્યું છે.

ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-5 બેલેસ્ટિક મિસાઇલો અને ઉપગ્રહોને ટ્રેક કરે છે. ભારતે શ્રીલંકાને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જહાજ પરની ટ્રેકિંગ સિસ્ટમ્સ આ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારતીય સુરક્ષા માળખા વિશે માહિતી એકત્રિત કરી શકે છે. તેનો ઉપયોગ ચીનની સૈન્ય સબમરીન અને જહાજો માટે પણ થઈ શકે છે