પાલનપુર-આબુ હાઇવે ઉપર આવેલ ખેમાણા ટોલ પ્લાઝા પર કારમાં આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. ટોલ પ્લાઝાના કર્મચારીઓની સમયસૂચકતા અને ફાયર સાધનોની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો હતો. કારમાં આગ લાગવાના બનાવમાં સદ્દનસીબે જાનહાની ટળી હતી.
ગુજરાત સહીત બનાસકાંઠા જીલ્લામાં ગાડીઓમાં આગ લાગવાના બનાવો દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે. જેમાં પાલનપુર-આબુ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર રાત્રિ દરમિયાન અચાનક એક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગાડીના આગળના ભાગમાંથી ધૂમાડો નીકળતા ગાડી ચાલક અને ગાડીમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.
જેના કારણે ટોલ પ્લાઝા પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ટોલટેક્સના કર્મચારીઓ ગાડી નજીક દોડી આવી ટોલ પ્લાઝા પર હાજર ફાયરના સાધનોથી ગાડીમાં લાગેલી આગને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ટોલ પ્લાઝા કર્મચારીઓની સમયસૂચકતા અને ભારે જહેમત બાદ પર ગાડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. અચાનક ગાડીમાં આગ લાગવાના કારણે ગાડી માલિકને મોટું નુકશાન પહોંચ્યું છે.