આજે નાગપાંચમ છે અને આજના દિવસે નાગ દેવતાની આરાધના કરવાથી તેમના આશીર્વાદ અને શુભફળ પ્રાપ્ત થાય છે.
પંચાંગ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ નાગપાંચમ પર્વ ઊજવવામાં આવે છે.
જે આજે 16મીને મંગળવારે છે, આજનો દિવસ સંપૂર્ણ રીતે ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે.
પૌરાણિક માન્યતા મુજબ નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૌરાણિક કાળથી જ સાપને દેવતાઓની જેમ પૂજવાની પરંપરા ચાલી આવી છે.
આજે નાગપાંચમના દિવસે જે નાગદેવનું સ્મરણ કરી પૂજા કરવામાં આવે છે તે નાગ દેવતાઓમાં અનંત, વાસુકી, શેષ, પદ્મ, કંબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, કાલિયા અને તક્ષક નાગ નો સમાવેશ થાય છે.
આ દિવસે ઘરના દરવાજા ઉપર સાપની આઠ આકૃતિઓ બનાવવાની પરંપરા છે. હળદર, નાડાછડી, ચોખા અને ફૂલ ચઢાવીને નાગ દેવતાની પૂજા કરો. મીઠાઈનો ભોગ ધરાવીને નાગ દેવતાની કથા વાંચો. પૂજા કર્યા પછી કાચા દૂધમાં ઘી, ખાંડ મિક્સ કરીને નાગદેવનું સ્મરણ કરી તેમને અર્પણ કરો.
આપણા પ્રાચીન ગ્રંથમાં પૌરાણિક કથાનો જે ઉલ્લેખ છે તે મુજબ
જનમેજય અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિતના પુત્ર હતાં. જ્યારે જનમેજયને પિતા પરીક્ષિતનાં મૃત્યુનું કારણ સર્પદંશ છે તેવી જાણકારી મળી ત્યારે તેમણે તક્ષક નાગ સાથે બદલો લેવા અને સાપના સંહાર માટે સર્પસત્ર નામક વિશાલ યજ્ઞનું આયોજન કર્યું. પરંતુ નાગની રક્ષા માટે આ યજ્ઞને ઋષિ આસ્તિક મુનિએ શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ રોકી દીધો હતો અને નાગદેવની રક્ષા કરી હતી. આ કારણે તક્ષક નાગના બચી જવાથી તેમનો વંશ બચી ગયો. અગ્નિના તાપથી નાગને બચાવવા માટે ઋષિએ તેમના ઉપર કાચુ દૂધ નાખ્યું હતું. માન્યતા છે કે ત્યારથી જ નાગપાંચમ ઊજવવામાં આવી અને નાગ દેવતાને દૂધ ચઢાવવાની પરંપરા શરૂ થઈ હતી.
આજનો દિવસ નાગ દેવતાની પૂજાનો છે અને તે પૂજા કરવાથી ભગવાન શિવ ની કૃપા પ્રાપ્ત થાય છે.