આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે. એ જ સફળતાની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરતા સતરંગી રે નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી ફિલ્મ આવી રહી છે. જે મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે એવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બાસીરા છે અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર શ્રી ઈર્શાદ દલાલ આ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે.
આ ફિલ્મમાં સરસ મજાના ગીતો છે, મધુર સંગીત છે. આ ફિલ્મના પ્રોડ્યુસર છે ગોલટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડનાં ઓનર રાજ બાસીરા અને ,વિપુલભાઈ ગાંગાણી. એમની સાથે કો પ્રોડ્યુસરમાં ટી-3 પ્રોડક્શન હાઉસનાં શ્રી ડો. તરૂણ ટંડેલ અને એમના પાર્ટનર શ્રી દિનેશ માંગુકિયા જોડાયેલા છે.
રાજ બાસીરા એ જણાવ્યું હતું કે, "આ ફિલ્મમાં મારો દર્શન દેસાઇ નામના યુવાનનો રોલ છે. જે ક્યાંય હિરોગીરી કરતો નથી. પણ આ પાત્ર જાણે સમાજના દરેક યુવાનનું પ્રતિનિધિત્વ કરે છે. આ ફિલ્મના રોલ માટે ગામડાઓમાં જઈને તેમની રહેણીકરણીનો નજીકથી અભ્યાસ કર્યો છે."
કથા પટેલે જણાવ્યું હતું કે, "આ ફિલ્મમાં મારો ઇન્ડિયન મોર્ડન ગર્લનો રોલ છે. જે નકારાત્મક રોલથી શરૂ થઇને એક પોઝિટિવ યુવતી તરીકેની સફર છે. જેને ફિલ્મ જોતા અનુભવાયા વિના રહેશે નહીં."
રાઈટર - ડાયરેક્ટર ઈર્શાદ દલાલે જણાવ્યું હતું કે, "આ ફિલ્મ સંપૂર્ણપણે પારિવારિક મનોરંજક ફિલ્મ છે. સંપૂર્ણપણે પારિવારિક કથા વસ્તુ અને યુવા વર્ગ સાથે બાળકો અને ઘરના વડીલોને હૃદય સ્પર્શે તેવી આ ફિલ્મ માત્ર મનોરંજન અને હસી મજાક પૂરતી મર્યાદિત નથી, તે જીવનના સંઘર્ષમાં સફળ કેવી રીતે થવું તેની ગાથા દર્શાવે છે. ફિલ્મનું શૂટિંગ રાજકોટથી શરૂ કરવામાં આવ્યું છે ફિલ્મ બારડોલી સુરત અમદાવાદ અને દમણની ગ્રામ્ય શહેરી અને પ્રાકૃતિક સૌંદર્યની લોકાલિટી સમાવવામાં આવી છે."
ફિલ્મમાં પાંચ ગીતો છે અને બધા ગીતો બહુ જ સરસ બન્યા છે. આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને સુપરહિટ ગાયકો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, એશ્વર્યા મજમુદાર, ચેતન ફેફરે ગાયા છે. સંદેશ અનોખો છે, સંગીત અનોખુ છે અને કથા અનોખી છે...મજા પણ અનોખી છે "સતરંગી રે " ની...
આ ફિલ્મમાં સમાજના જટિલ પ્રશ્નો પ્રેમ, બ્રેકઅપ સામાજિક લાગણી અને જીવન સંઘર્ષમાં રસ્તા શોધવાની મહેનતને દર્શાવવામાં આવી છે ફિલ્મમાં મનોરંજનના તમામ ઘટકો છે કે જે યુવા વર્ગથી લઈ મોટેરા અને વડીલો તમામને પસંદ પડશે.
20 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં આપના નજીકના થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થશે...