યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાંથી એક શખ્સ રૂ.500ની 240 નકલી નોટો સાથે ઝડપાયો હતો. જેની તપાસ એસઓજીને સોંપવામાં આવતા એસઓજીએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ભાભરના બુરેઠા ગામનો ભરત હરગોવિંદભાઈ પ્રજાપતિ સોમવારે રૂ.500 ના દરની 240 નકલી નોટો સાથે એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.જેની પાસેથી એલસીબી પોલીસે રૂ. 1,20,000ની ડુપ્લીકેટ નોટો ઝડપી લીધી હતી, જેની તપાસ બનાસકાંઠા એસઓજીને સોંપવામાં આવતા એસઓજીના પીઆઇ પીઆઇ એમ.જે.ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.

જેમાં પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી દાંતાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે 20 સપ્ટેમ્બર 2024 સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે એસઓજી એ આ નોટો ક્યાં લાવ્યો હતો, કયા પ્રિન્ટરમાં છાપતો હતો, અગાઉ પણ આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ કરેલી છે કે કેમ કરેલી છે તો ક્યાં કરેલી છે, આના સિવાય કોઈ અન્ય વ્યક્તિ આની સાથે સંડોવાયેલ છે તેમજ ગુનામાં વપરાયેલ ચીજ વસ્તુઓ કબજે કરવાની જીણવટભરી તપાસ હાથ ધરી છે.