સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવા' અને દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે:- કલેકટર મિહિર પટેલ

સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કરતાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે

રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બર થી શરૂ થતા 'સ્વચ્છતા હી સેવા અભિયાન' 31 સપ્ટેમ્બર સુધી ચાલશે. હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટર મિહિર પટેલે આજે મા અંબેના ધામ અંબાજી, ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટીતંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો.

જિલ્લા કલેકટર મિહિર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, સ્વચ્છતા અભિયાનનો આ દસમો તબક્કો છે. જેમાં બે તબકકામાં કામ થવાનું છે. આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ 'સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવી ' છે. દેશનો ખૂણે ખૂણે આપણું ઘર છે, એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે. દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા, અભિગમ કેળવશે, તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે.અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓએ સ્વચ્છતા યોધ્ધા ગણાવી કલેકટર મિહિર પટેલે મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવેએ જણાવ્યું કે જિલ્લામાં સ્વચ્છતા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં કચરો વધુ થાય છે તેવા સ્થાન નક્કી કરી આ તમામ પોઇન્ટનું જીઓ ટેંગિગ કરવામાં આવ્યું છે . જે પોઇન્ટ પર લોક ભાગીદારી થી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં લોક ભાગીદારી ખૂબ જ જરૂરી છે, દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની સમજે અને જિલ્લાના તમામ નાગરિકો તેમાં જોડાય એવી અપીલ સાથે તેમણે સ્વચ્છતાને સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવાની વિનંતી સાથે સ્વચ્છતા અભિયાનમાં લોક ભાગીદારીનું આહવાન કર્યું હતું.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ના વહીવટદાર કૌશિક મોદી,પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત દરેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આજથી જ્યારે બનાસકાંઠાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પોતાના ઘરથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી