મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરમગામમાં શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ.

અત્યારે ચાતુર્માસ ચાલે છે, તેમાં પણ અતિ પવિત્ર ભાદ્રપદ માસ ચાલી રહ્યો છે. સર્વત્ર ભગવાનની ભક્તિ, ધ્યાન ભજન, ભગવાનની કથા વાર્તા ભજન આદિ વિશેષ થાય છે. સ્વયં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને સ્વમુખે સર્વજીવહિતાવહ એવી આચારસંહિતા - શિક્ષાપત્રીના શ્લોક ૭૬ માં આજ્ઞા કરી છે કે, અમારા સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો. 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, વિરમગામમાં "શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃતસાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથાનું ભકિતભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા - સંસ્કૃતમાં "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર" ગ્રંથની પંચ દિનાત્મક ચાતુર્માસ કથા - શ્રાવણ માસની કથા, જેમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય પરંપરાનાં અનેકવિધ દિવ્ય ચરિત્રો છે. કથાનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. 

આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ નું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર:" સંસ્કૃત ગ્રંથની રચના શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રી, સાર્વભૌમ નાદવંશીય પરંપરાના અનેકવિધ લીલા ચરિત્રોથી ભરપૂર ૨૦,૦૦૦ સંસ્કૃત શ્લોકો યુક્ત કારણ સત્સંગ શાસ્ત્ર ગ્રંથ રત્નનું જે દર્શન, શ્રવણ, પૂજન - અર્ચન કરશે તે નિશ્ચે આત્યંતિક કલ્યાણને પામશે જ. શ્રીજીબાપા સ્વામીબાપાની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પરલોકમાં મહાસુખ પ્રાપ્ત થાય છે. 

"શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી કડી મંદિરના પૂર્વ મહંત શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, બાવળા મંદિરના મહંત સંત શિરોમણિ શ્રી સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, શ્રી અનાદિપુરુષદાસજી સ્વામી, શ્રી દિવ્યનિલયદાસજી સ્વામી, શ્રી ત્યાગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા વિરમગામ, ટ્રેન્ટ, મણિપુરા, જોષીપુરા વગેરે ગામોના હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથ, કથાકારનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. ત્યારબાદ સૌએ ભકિતભાવપૂર્વક મહાપ્રસાદ આરોગ્યો હતો.