સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનીજનું ખનન અને વહન પ્રવૃત્તિ સામે તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં ખનીજની ટીમોએ દરોડા સાથે જિલ્લાના જુદા જુદા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ જુદા જુદા સ્થળોએથી છેલ્લા 1 અઠવાડીયામાં બ્લેક ખનીજ, રેતી તેમજ 13 જેટલા ડમ્પર સહિત અંદાજે રૂ. 3 કરોડનો મુદ્દામાલ સીઝ કરાતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રવૃત્તિઓ પર રોક લગાવવો પણ જિલ્લા તંત્ર માટે દિવસે દિવસે પડાકરૂપ બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.જિલ્લામાં ખનીજના ખનની ઘટનાઓમાં લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખનન, વહન તેમજ સંગ્રહની બદીનેદૂર કરવા તંત્રે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ક્લેકટરની સૂચના મુજબ ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતાની તપાસ ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળોએ દરોડા કરી તપાસ કરવામાં આવી હતી.જિલ્લામા આકસ્મિક ચેકિંગ સાથે દરોડાઓ કરાતા ખનીજનું ખનન અને વહન કરતા તત્વોમાં દોડધામ મચી ગઇ હતી. પરિણામે ખાણખનીજ વિભાગ દ્વારા આ આકસ્મિક તપાસોમાં બ્લેકટ્રેપ ખનીજ ગેરકાયદે વહન કરતા 10 ડમ્પર તેમજ સાદી રેતીનું પણ ગેરકાયદે વહન કરતા 3 ડમ્પર ઝડપી પાડ્યા હતા. આમ જિલ્લાના જુદી જુદી જગ્યાઓ પરથી છેલ્લા એક અઠવાડીયામાં તંત્ર દ્વારા કુલ 13 ડમ્પરને ખનીજના ગેરકાયદે વહનના ગુનામાં પકડી લીધા હતા. આ અંદાજે રૂ. 3 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.