એલસીબી ટીમે દસાડાના વડગામ-આદરિયાણા રોડ પર વાડીના શેઢે રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં 4 ફરાર થઈ ગયા હતા. જયારે પોલીસે 8 શખ્સોને રોકડ, મોબાઈલ, બાઈક, કાર અને રિક્ષા સહિત રૂ. 9.35 લાખની મત્તા સાથે ઝડપી લીધા હતા.બીજી તરફ થાનમાં ઓનલાઈન યંત્રો વેચવાની આડમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 3 શખ્સોને ઝડપી લીધા હતા.જિલ્લા એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પરીક્ષિતસીંહ, દશરથભાઈ સહિતનાઓ દસાડા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે વડગામ-આદરીયાણા વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે વાડી ધરાવતો ગીરીશ વશરામભાઈ રથવી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈને જુગારિયાઓમાં નાસભાગ મચી હતી.પરંતુ પોલીસે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નસીબ હસનઅલી ખોખર, અઝરૂદ્દીન હસુભાઈ કુરેશી, મંગા રાયચંદભાઈ રાવળ, ઈસ્માઈલ ઉસ્માનભાઈ કછોટ, રાજેન્દ્ર ખીમગીરી ગોસ્વામી, ઝાકીર હયાતખાન સોલંકી, સંજય ઉર્ફે કિરણ જગાજી ઠાકોર અને અલેપખાન મહમદખાન મલેક ઝડપાઈ ગયા હતા. જયારે વાડી માલીક ગીરીશ વશરામભાઈ રથવી, બીલાલ રસુલભાઈ ચૌહાણ, કરણસીંહ ઉદુભા ઝાલા અને એક બાઈક ચાલક ફરાર થઈ ગયા હતા.પોલીસે રોકડા રૂ.45,500, બે બાઈક, રિક્ષા, કાર સહિત રૂ.9,35,500નો મુદ્દામાલ જપ્ત કરી તમામ શખ્સો સામે દસાડા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન રાજસીતાપુર ગામના બસ સ્ટેશન પાસે એક શખ્સ વરલી મટકાનો જુગાર રમતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો.જેમાં રાજસીતાપુરની મઠની શેરીમાં રહેતો ગુલામ ઉર્ફે ગુલો સલીમભાઈ દીવાન રોકડા રૂ. 1850 સાથે વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો. આ ઉપરાંત થાન પોલીસે નવાગામ ચોકડી પાસે આવેલ દુકાનમાં રેડ કરી હતી. જેમાં હોનેસ્ટ માર્કેટીંગ ફ્રેન્ચાઈઝીની આડમાં ઓનલાઈન યંત્રો વેચવાની જાહેરાત કરી રૂ. 11ના બદલામાં નવ ગણા અથવા રૂ. 100 આપવાના તથા ચાંદીનો સીક્કો આપવાની લાલચ આપી જુગાર રમાડાતો હતો.પોલીસે સવલત કાળુભાઈ સમા, દીલીપ નરશીભાઈ સારલા અને ગોપાલ લક્ષ્મણભાઈ ખીમસુરીયાને રૂ. 23,340 રોકડા, 4 મોબાઈલ, મોનીટર, પ્રીન્ટર, કેમેરો સહિત કુલ 60,140ની મત્તા સાથે ઝડપી લીધા હતા. આ દરોડામાં જુગાર રમાડનાર પૃથ્વી બોરીચા અને કાના રાજપુત સહિત પાંચેય સામે થાન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.