ડીસાના જલારામ મંદિર સામે આવેલ શ્રી બાબા રામદેવ પીર મંદિરે બાબાની નવરાત્રીની રંગેચંગે ઉજવણી કરાઇ હતી. આ નવે નવે દિવસ ભારે ઉત્સાહ ઉમંગ-ઉલ્લાસથી ભગવાન શ્રી રામદેવજી મહારાજની ભક્તિ કરી સૌ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશના અવતાર શ્રી બાબા રામદેવજી આ મંદિરે માનતા કરે તેની શુભકામનાઓ પૂર્ણ કરે છે.

બાર બીજના ધણી શ્રી બાબા રામાપીરની બારે બાર બીજ આ મંદિરે શ્રદ્વાળુઓ શ્રદ્વાથી હજારોની સંખ્યામાં આવીને માથું ટેકવે છે. ભાદરવા સુદ-બીજના પ્રાગટ્ય દિન હોઇ વહેલી સવારથી મોડી રાત સુધી ભક્તોએ દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો.

જ્યારે ભાદરવા સુદ-8 ને બુધવારે રાત્રિ જાગરણમાં ભજન સંધ્યા ((ડાયરા) ના કાર્યક્રમનું આયોજન પ્રકાશભાઇ ગેલોત (માળી) (ડીસા) અને તેમની ટીમ દ્વારા મોડી રાત સુધી ભક્તિમય માહોલ છવાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબાના નેજાની શોભાયાત્રા છગનસિંહ મોરૂસિંહ રાજપૂતના નિવાસસ્થાનેથી રીજમેન્ટ રોડ પર ડીસાથી યોજાઇ હતી.

જેમાં ડી.જે.ના તાલે બગી રામદેવજી હરજી ભાટી, ડાલીબાઇ, સગુળાબાઇ, લાછાબાઇ અને ભાણેજ રતનાજી રબારી આમ વિવિધ વેશભૂષાથી આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે ભાદરવા સુદ-9 ને ગુરૂવારના દિવસે ભાવિક ભક્તોએ શ્રી રામદેવ પીરના મંદિરે વાજતે-ગાજતે નેજા ચડાવ્યા હતા અને ભાવિક ભક્તોએ શિશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. જ્યારે ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. 

આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, શ્રી બાબા રામદેવ પીર સેવા ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઇ કતીરા, નિવૃત્ત મામલતદાર જીવણભાઇ પરમાર, ટ્રસ્ટીઓ બાબુભાઇ ભેડા, મદનભાઇ મહેશ્વરી, કાર્યકરો રાકેશભાઇ ઠક્કર, સુભાષભાઇ ઠક્કર, પ્રવિણભાઇ આસ્નાની (બરફવાળા) અને અન્ય સ્વયં સેવકોએ નવરાત્રિ સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે શ્રી બાબા રામદેવ પીર સેવા ટ્રસ્ટ-ડીસાના સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.