વિસરાતા વારસાના જતન અને સંવર્ધનના હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આયોજિત તરણેતરના મેળામાં સૌ પ્રથમવાર ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાના બીજા દિવસે આજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી. જેમાં ભજન, દુહા-છંદ, લોકગીત, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રી અભિનય, પારંપરિક ભરત ગૂંથણ, બહુરૂપી તેમજ લાકડી ફેવરવાની શ્રેણીમાં પંચાવન જેટલા કલાકારોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, કમિશનરશ્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલની કચેરીના ઉપક્રમે તરણેતરના મેળામાં આ વર્ષે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓને આસપાસના વિસ્તારમાંથી ઉમટેલા અનેક લોકોએ માણી હતી.આજે તરણેતરના મેળાના બીજા દિવસે ભજન ગાયનથી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓની શરૂઆત થઈ હતી. જેમાં સાત કલાકારોએ ગ્રામીણ પરંપરાગત ભજનો રજૂ કર્યા હતા. એ પછી દુહા-છંદની સ્પર્ધામાં છ કલાકારોએ દુહા લલકારીને માહોલમાં જોમ ભરી દીધું હતું.લોકગીતની સ્પર્ધામાં ૧૫ કલાકારોએ સૌરાષ્ટ્ર તથા ગુજરાતના પરંપરાગત લોકગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી. ભવાઈમાં ત્રણ જૂથોએ જ્યારે એકપાત્રિય અભિનયમાં ચાર કલાકારોએ કૃતિ રજુ કરી હતી.તરણેતરના મેળામાં મોરલા અને ભરતગૂંથણવાળી છત્રી તેમજ ભરત ભરેલા પોશાક અચૂક જોવા મળે છે. આ ભરતકામ પાછળ જેમનો શ્રમ છે એવી બહેનોને આ વખતે પોતાની કળાને રજૂ કરવાનો મંચ મળ્યો હતો. પારંપરિક ભરત ગૂંથણની સ્પર્ધામાં પાંચ બહેનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત હાલમાં ખોવાઈ ગયેલી બહુરૂપી કળાના ચાર કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી.છેલ્લે જ્યારે લાકડી ફેરવવાની સ્પર્ધા શરૂ થઈ હતી. જેમાં એક પછી એક સાત કલાકારોએ લાકડી ફેરવવાનું શરૂ કરતા લોકો દંગ રહી ગયા હતા. બે બાળક તેમજ એક બાલિકાએ જ્યારે ઝાલાવાડી ડાંગ વીજળી વેગે ફેરવી ત્યારે અનેક લોકોના શ્વાસ અધ્ધર રહી ગયા હતા. આ સ્પર્ધા બાદ સાંજે ૨૭ જેટલા વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.વાય.ડી.ઓ. સુશ્રી મમતા પંડિત તેમજ પ્રકાશસિંહ ગોહિલ, અન્ય કર્મચારીઓ તેમજ શિક્ષકો વગેરેએ જહેમત ઉઠાવી હતી.