સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં આયોજિત ત્રિ-દિવસીય લોકમેળામાં આજે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓની રસાકસી જામી હતી. રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ આજે મેળાની મુલાકાત દરમિયાન રસ્સાખેંચની સ્પર્ધા રસપૂર્વક નિહાળી હતી. આ સાથે તેમણે વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઈનામો આપી, રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.તરણેતરના લોકમેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાય છે. જેમાં આસપાસ અને રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે છે. આ વર્ષે પણ ગોળા ફેંક, લાંબી કૂદ, રિલે દોડ, નાળિયેર ફેંક, કુસ્તી, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, સ્ટ્રોંગેસ્ટ મેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, સાતોડી (નારગોલ) વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ છે.આજે મેળામાં પધારેલા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે દોરડાકૂદ અને રસ્સા ખેંચની સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતાં.