સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી.તરણેતર ખાતે સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. જેમાં આંટાળી પાઘડી, રંગબેરંગી કેડિયું, ચોરણીમાં સજ્જ પુરુષો જ્યારે પરંપરાગત પરિધાનમાં સજ્જ મહિલાઓ રાસ રમતા-રમતા શોભાયાત્રામાં જોડાઈ હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા.શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીશ્રી મયુરગીરીએ પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ મહાદેવ ત્રિનેત્રેશ્વરના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આ તકે પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી નિર્મળા બા, ચાંપરડાના શ્રી મુક્તાનંદ બાપુ, હરિયાણા ચંદીગઢથી પધારેલા શ્રી સંપૂર્ણાનંદજી મહારાજ, લખનૌના શ્રી વિચિત્રાનંદજી મહારાજ, પાળીયાદના શ્રી ભયલુ બાપુ, સોનગઢના શ્રી કિશોર બાપુ, અગ્રણી શ્રી રામકુભાઈ ખાચર વગેરે જોડાયા હતા.
તરણેતરના મેળામાં પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/09/nerity_55557c811fa13b42a745c7c92e3e9dbe.jpg)