અમદાવાદ

શહેરમાં એક સગીરાને પ્રેમ ઓછો મળતો હોવાનુ લાગી આવતા તે તેની પાડોશમાં રહેતા એક દિકરાના પિતા સાથે પ્રેમમાં પડી હતી. એટલુ જ નહીં માતા-પિતાને જાણ થતા સગીરા પ્રેમીને છોડવા તૈયાર ન હતી અને માતા પિતાને આપઘાત કરવાની ધમકી આપતી હતી. જેથી માતાએ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી.
 
શહેરના શાસ્ત્રીનગરમાં માતા-પિતા તેના ત્રણ છોકરીઓ સાથે રહે છે. સૌથી નાની દિકરી 6 મહિનાની હોવાથી માતા-પિતા તેની વિશેષ કાળજી રાખે છે. જેના કારણે 15 વર્ષીય દિકરીને મનમાં માતા-પિતા તેનુ ધ્યાન કે તેને પ્રેમ કરતા ન હોવાનુ લાગી આવ્યુ હતુ. આ દરમિયાન પાડોશમાં ઘરજમાઈ તરીકે રહેતો 29 વર્ષીય યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં સગીરા સાથે મિત્રતા કરી હતી અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં સગીરા સ્કુલે જવાનુ કહીને યુવક સાથે હરવા ફરવા લાગી હતી. સગીરા યુવકના પ્રેમમાં એટલી પાગલ બની ગઈ હતી કે તેને કંઈ દેખાતુ જ ન હતુ. બીજી બાજુ સગીરાના પ્રેમ સંબંધની જાણ માતા-પિતાને થતા તેમણે સગીરાને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સગીરા તેમને ધાકધમકી આપવા લાગી હતી. જેથી સગીરા કોઈ અણગમતુ પગલુ ના ભરીલે તે માટે સગીરાની માતાએ 181 પર મદદ માંગી હતી. અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાર કલાક સુધી સગીરાનુ કાઉન્સેલીંગ કરી સુખદ સમાધાન કરાવ્યુ હતુ.