ડીસામાં સહકારી મંડળીમાંથી લોન લઈ પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રીટર્ન થતા ડીસાના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફ.ક.) એ ડીસા તાલુકાના મોરથલ ગોળીયા ગામના ખેડૂતને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 2.80 લાખ મંડળીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મોરથલ ગોળીયા ગામના નાથાજી ત્રિકમાજી માળી ખેતી કરે છે. જેઓએ ડીસાના શિવાલિક શોપિંગ સેન્ટરમાં આવેલી અને લોકોની ડિપોઝિટ સ્વીકારતી તેમજ ધિરાણ આપતી ધી સોમનાથ નાગરીક શરાફી સહકારી મંડળી લી. મંડળીમાંથી તા. 25/5/2017ના રોજ રૂ 2 લાખનું ધીરાણ મેળવેલું હતું. જે લોનની રકમ વ્યાજ સહીતની બાકી મંડળીએ ઉઘરાણી કરતા નાથાજીએ આર.બી.એલ. બેંક ડીસા શાખાનો તા.3/10/208 ના રોજનો રૂા.2,24,310નો ચેક આપ્યો હતો.

જે મંડળીએ ધી મહેસાણા અર્બન કો.ઓ.બેંક લી.ડીસા શાખામાં ભરતા બેલેન્સ ન હોવાથી ''ડ્રોઅર સીગ્નેચર ડીફર્સ" ના શેરા સાથે પરત થયો હતો. જેથી મંડળી દ્વારા નાથાજીને રજી.પો.એ.ડી.થી નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં લેણી રકમ ચુકવી આપેલ ન હોવાથી મંડળીના મેનેજર ગોવિંદજી જીવાજી સોલંકી (માળી)એ નાથાજી માળી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) હર્ષદભાઈ એસ. ચાવડાએ ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ખેડૂત નાથાજી ત્રિકમાજી માળીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 30 દિવસમાં મંડળીને રૂ. 2.80 લાખની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.