કાંકરેજના વડા ગામનું દંપતી સોમવારે ભાભરમાં સાળીને મળવા ગયા હતા. ત્યાંથી સાંજે પરત ફરતી વખતે દિયોદર રેલવે ઓવરબ્રિજના સામેના છેડે ખીમાણા હાઇવે તરફ આદર્શ હાઇસ્કુલ ચોકડી પાસે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતાં પત્નીનું મોત નિપજ્યું હતું.જ્યારે પતિને ઈજા થઈ હતી.ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. નજીકના પેટ્રોલ પંપ પર લગાવેલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

વડા ગામના સનુભા બબુભા વાઘેલા (41) અને તેમના પત્ની રંજનબા (38) બાઇક નં. જીજે-08-સીજે-3804 લઇને ભાભરમાં રહેતા સાળીને સોમવારે મળીને સાંજે પરત ફરતી વખતે દિયોદરની આદર્શ હાઇસ્કુલ ચોકડી પાસે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી.

જેમાં રંજનબા સનુભા વાઘેલા રોડ ઉપર પટકાતાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે સનુભા વાઘેલાને સામાન્ય ઇજાઓ થઇ હતી. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર લઇ ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની સ્થાનિક લોકોએ દિયોદર પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી.