પ્રભારી સચિવશ્રી આર.સી. મીનાની અધ્યક્ષતામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ખેડા પ્રભારી સચિવશ્રી આર.સી. મીના (આઈએએસ)ની અધ્યક્ષતામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

આ બેઠકમાં તમામ તાલુકાઓમાં વરસાદને લઈ કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરમાં ઉપલબ્ધ રહી ગ્રામીણ કક્ષાએ તલાટી અને સરપંચ સહિતના લોકો સાથે સંપર્કમાં રહેવા અને સંકલન સાધવા જણાવ્યું હતું. ખાસ કરીને નદી- તળાવ કાંઠાના વિસ્તારોમાં એલર્ટ મોડ પર રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

વધુમાં, તમામ અધિકારીઓને પાણી ભરાયેલા વિસ્તારમાં લોકોની અવર જવર પ્રતિબંધ કરવા, પુર સંભવિત વિસ્તારોમાં રોડ, રસ્તા, વીજળી, જંગલ કટિંગ, તરવૈયાઓની યાદી, એનજીઓ સંપર્ક સહિતની સ્થાનિક કક્ષાએ તકેદારીની વ્યસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખી લોકોને સ્થળાંતર કરાવવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. વસાવા, નિવાસી અધિક કલેકટરશ્રી ભરત જોષી, સ્ટેમ્પ ડ્યુટી કલેકટર શ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટ, નડિયાદ પ્રાંત અધિકારીશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી, સીટી મામલતદાર શ્રી, ડિઝાસ્ટર મામલતદારશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને અન્ય પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ સહિત તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ગૂગલ મીટના ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

રિપોર્ટર. અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.