સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન, હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં બમણું ઉત્પાદન..

હળદર પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી હેકટર દીઠ ૧૯ ટન ઉત્પાદન મળ્યું જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હેકટર દીઠ ૪૦ ટન ઉત્પાદન..

યુનિવર્સિટી ખાતે ૪૬ હેકટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું સંશોધન:- એક હેકટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધન અને નિદર્શન માટે આરક્ષિત..

હળદરમાં મૂલ્યવર્ધન કરી પાવડરના વેચાણ થકી ખેડૂત હેકટર દીઠ વીસ લાખ સુધીની આવક મેળવી શકે છે..

ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેર મુક્ત ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. જ્યારે પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં નોંધપાત્ર કામગીરી થઇ રહેલ છે.

રાજ્યનો સરહદી જિલ્લો બનાસકાંઠા ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધારિત જિલ્લો છે. જિલ્લામાં આવેલી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે. જેનો લાભ જિલ્લાના લાખો ખેડૂતોને મળી રહ્યો છે. 

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શકે એ માટે વિવિધ ધાન્ય પાકો, કઠોળ પાકો અને તેલીબિયાંમાં પ્રાયોગિક ધોરણે 

સંશોધન કરવામાં આવી રહ્યાં છે. દાંતીવાડા સ્થિત કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર દ્વારા પ્રયોગાત્મક ધોરણે સજીવ અને પ્રાકૃતિક ખેતીનું મોડેલ વિકસિત કરવામાં આવ્યું છે. જેના દ્વારા રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે..

યુનિવર્સિટીના દરેક મુખ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્રો ખાતે ઓછામાં ઓછી એક હેકટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધન અને નિદર્શન માટે આરક્ષિત રાખવામાં આવેલ છે. જેમાં ફકત પ્રાકૃતિક ખેતીના અખતરા અને ખેડૂતો માટે નિદર્શન ગોઠવવામાં આવે છે. હાલમાં યુનિવર્સિટી ખાતે ૪૬ હેકટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું સંશોધન શરૂ કરેલ છે. જે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ એજન્સી (ગોપકા) દ્વારા માન્યતા પ્રાપ્ત છે..

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૯ માં સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘઉં, બાજરી, મકાઈ અને જુવાર પાકમાં, કઠોળ વર્ગના મગ, અડદ, ચણા, શાકભાજીમાં ચોળી પાકમાં અને કંદમૂળ વર્ગમાં બટાકા અને હળદરમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોને અમલી બનાવી પ્રાયોગિક ખેતીનું મોડેલ વિકસાવવામાં આવ્યું છે. હળદરના પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિ દ્વારા હેકટર દીઠ ૧૯ ટન ઉત્પાદન મળ્યું છે ,જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા હેકટર દીઠ ૪૦ ટન એટલે કે બમણું ઉત્પાદન મળ્યું છે..

કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના સહ સંશોધન નિયામકશ્રી તથા સજીવ અને પ્રાકૃતિક સંશોધન કેન્દ્રના વડા ડૉ .સી.કે પટેલ જણાવે છે કે એક હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં રાસાયણિક ખેતી પદ્ધતિમાં યુરિયા, ડીએપી અને જરૂરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં પાંચ સિદ્ધાંતો જીવામૃત, બિજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપ્સા નો ઉપયોગ કરવાથી હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતીની સાપેક્ષમાં બમણું મળ્યું છે. આ પ્રયોગિક તારણને પગલે અન્ય ખેડૂતો પણ હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરાયા છે. યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ હાલમાં દસ ખેડૂતો સહિત જગુદણ અને દહેગામ કેન્દ્ર ખાતે પણ પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતીના અખતરા હાથ ધરવામાં આવેલ છે.

મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરી જણાવે છે કે, હળદરનું મૂલ્યવર્ધન કરી તેનો પાવડર બનાવવામાં આવે તો ખેડૂતોને તેનો બમણો લાભ મળે છે. હળદરને આંતર પાક તરીકે લઈ શકાય છે અને છાંયડામાં તેનો ઉગાવો વધુ સારો થાય છે. હેકટર દીઠ લીલી હળદરના વેચાણથી સાડા સાત લાખથી દસ લાખ સુધીની આવક થાય છે, જ્યારે તેનો પાવડર ₹ ૩૫૦પ્રતિકિલો વેચાય છે. જેથી ૨૦ લાખ સુધીની આવક મળે છે. આમ હળદરના મૂલ્યવર્ધનથી ખેડૂતોને મુખ્ય પાક સાથે હળદરની વધારાની આવકનો ફાયદો મળે છે.