ડીસા નગરપાલિકાના કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરતા નથી તેઓ વિવાદ હજુ ચાલી રહ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં સી.સી. રોડના પેચ વર્કમાં ગેરરીતી આચરાઇ હોવાનું સામે આવતાં ચીફ ઓફિસરને એન્જિનિયરને ખખડાવ્યા હતા.
ડીસામાં પાંચ કરોડના કામો અંબર કન્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યા હતા, જેમાં સી.સી. રોડ અને ગટરોનું કામ કરવાનું હતું. જો કે, આ કોન્ટ્રાકટર વધુ નફો રળવાની લ્હાયમાં કામમાં વેઠ વળવાનું શરૂ કર્યું હતું. ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાના મંદિર પાછળ સી.સી. રોડના પેચ વર્કમાં જ વેઠ વાળતા સ્થાનિકોએ સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટર અમિત રાજગોરને બોલાવ્યા હતા.
જો કે, તેઓએ તુરંત એન્જીનિયરને બોલાવી ટેન્ડર મુજબ કામ કરવા અને કોન્ટ્રાકટર વેઠવાળી રહ્યો હોઈ ટેન્ડર કોપી માંગતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જેમાં પેચ વર્કમાં જે જાડાઈ કરવાની હતી તેનાથી ત્રીજા ભાગની પણ ન હતી. જેથી ફરી પેચ વર્કનું કામ શરૂ કરાવ્યું હતું.
જો કે, સમગ્ર પેચ વર્કમાં જ ગેરરિતી બહાર આવતા એન્જીનિયર એસ.બી.જાદવને ચીફ ઓફિસર પોતાના ચેમ્બરમાં બોલાવી ખખડાવ્યા હતા અને કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવા અને પેચ વર્કમાં વાપરેલ મટીરીયલનું સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરાવવા સુધીની સૂચના આપી હતી.