રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા 8 ફોન આવ્યા છે. ફોન કરનારે તેમના સમગ્ર પરીવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી છે.
આ ઘટના પછી હોસ્પિટલ મેનેજમેન્ટે આ અંગેની ફરીયાદ DB માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી છે.

ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે મુકેશ અંબાણીને ધમકી આપતા કુલ આઠ કોલ કરવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે અમને હોસ્પિટલ તરફથી ફરિયાદ મળી છે અને અમે તેની તપાસ શરૂ કરી રહ્યા છીએ.

અગાઉ 2021 માં, મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર 20 જિલેટીન સ્ટિકોવાળી એક કાર મળી આવી હતી. આ વાહનમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી જેમાં મુકેશ અને તેની પત્ની નીતા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એન્ટિલિયા પાસે મળેલી એસયુવીની અંદર કેટલીક નંબર પ્લેટો પણ મળી આવી હતી અને આ નંબર પ્લેટ અંબાણીની સુરક્ષાવાળા વાહનોની નંબર પ્લેટ સાથે મેચ થતી હતી.