ડીસા તાલુકાના જુના નેસડા ગામે પકોડી ખાવાની બબાલમાં છરી તેમજ ગડદા પાટુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે સામસામે ત્રણ વ્યકિતઓ સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા તાલુકાના જુના નેસડા ગામે ભમરસિંહ ધુડાજી રાઠોડ પકોડીની લારી પાસે ઉભા હતા. ત્યારે ગામના અમરસિંહ શાંતીજી રાઠોડ અને ચકાજી લાલાજી ઠાકોરે પકોડી ખાવા રૂપિયા 10 માંગ્યા હતા. જે આપવાની ના પાડી હતી. દરમિયાન સાંજે અંબાજી મંદિર સામે બંનેએ છરીથી તેમજ ગડદાપાટુથી હુમલો કરી ભમરસિંહને ઇજા કરી હતી. જેની ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામે પક્ષે અમરસિંગ શાંતિજી રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, લારીએ પકોડી ખાવા ઉભો હતો. ત્યારે ભમરસિંહ રાઠોડે પકોડી ખવડાવવાનું કહ્યુ હતુ. જેની ના પાડતાં સાંજના સુમારે અંબાજી મંદિર નજીક ઉશ્કેરાઇ જઇ દૂધની બરણી મારી ઇજા કરી હતી. પોલીસે સામસામે નોંધાયેલી ફરિયાદના આધારે ત્રણ વ્યકિતઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.