ડીસામાં આવેલી ભોલેનાથ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાંથી લીધેલી લોન ન ભરતા મહિલાને ક્રેડિટ સોસાયટીએ ઉઘરાણી કરતા ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરતાં કોર્ટે મહિલાને એક વર્ષની કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, ડીસામાં આવેલ ધી ભોલેનાથ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડમાંથી ડીસાની રત્નાકર સોસાયટીમાં રહેતા ભારતીબેન કમલેશભાઈ પઢિયારે રૂ. 1,00,000 ની લોન લીધી હતી. સદર લોનની રકમ તેઓએ ન ભરતાં ક્રેડિટ સોસાયટી દ્વારા ઉઘરાણી કરતા ભારતીબેને લોનની રકમ અને વ્યાજ સાથેનો રૂપિયા 1,72,500 નો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થયો હતો. આથી ક્રેડિટ સોસાયટીએ તેઓના વકીલ મારફતે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા ડીસાના બીજા અધિક એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એચ.એસ.ચાવડા એ ફરિયાદી પક્ષના વકીલ જીગર એન જોષીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભારતીબેન કમલેશભાઈ પઢીયારને એક વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
આ અંગે જજે ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે, ચેકની રકમ વળતર તરીકે રૂ. 1,90,000 આરોપીએ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવી. જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવેલ છે.