પાવીજેતપુર ખાતે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે વિશ્વ

આદિવાસી દિનની થયેલી ઉજવણી

              પાવીજેતપુર ખાતે ૯ ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

         સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૩ ડિસેમ્બર, ૧૯૯૪ ના ૪૯/૨૧૪ ઠરાવ દ્વારા ૯ ઑગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ પછી સમગ્ર વિશ્વમાં ૯ ઑગસ્ટ, ૧૯૯૫ ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ૯ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે ત્યારે પાવીજેતપુર તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં પાવીજેતપુર સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચ્યા હતા. વૃક્ષારોપણ કરી ત્યાંથી ડીજે ના તાલ સાથે આદિવાસી નૃત્ય કરતા કરતા બાબા સાહેબ આંબેડકર ચોક પહોંચી ત્યાંથી શ્રીમતી વિ આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ સુધી રેલી કાઢવામાં આવી હતી. વર્તમાન સમયમાં આદિવાસીઓ ખૂબ જ શિક્ષિત થઈ ગયા છે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય તેથી શૂટ, પેન્ટ, બુટ છોડી પરંપરાગત આદિવાસીઓનો પહેરવેશ એવો ખમ્મીસ, ધોતિયું અને પાઘડી પહેરી, ધારિયા પારિયા સાથે પાવીજેતપુર નગરમાં આવી પહોંચ્યા હતા, અને ડીજેના તાલે ટીમલી કૂદી ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

               છેલ્લા કેટલાક સમયથી પાવીજેતપુર તાલુકાના રાઠવા જ્ઞાતિના આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેને લઇ આદિવાસીમાં વધુ એકતા જોવા મળી રહી છે. તેમજ આદિવાસીઓમાં એક અલગ પ્રકારનો અનેરો ઉત્સાહ અને જોમ જોવા મળતો હતો.

            આમ, પાવીજેતપુર ખાતે આદિવાસીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ, ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.