ડીસા શહેરના પાટણ હાઇવે પર ભોપાનગર પાસે બુધવારે મોડી રાત્રે પૂરઝડપે જતાં જીપડાલાએ પાણીપુરીની લારીને ટક્કર મારી હતી. જેમાં પાણીપુરીની ચલાવતા યુવકનું અને પાણીપુરી ખાવા આવેલ સગીરનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ગાયને પણ અડફેટ લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું. જીપચાલક અકસ્માત બાદ પૂરઝડપે ભાગી જતાં જુનાડીસાથી ઢુવા રોડ પર એક વીજ થાંભલા સાથે જીપડાલું અથડાવી મૂકીને નાસી છૂટયો હતો.

ડીસાના ભોપાનગર વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂરઝડપે જઈ રહેલા જીપડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીની લારીને હડફેટે લીધી હતી. જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ (ઉ.વ.28) તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશન ભરતભાઇ રાવળ (ઉ.વ.14) બંનેને અડફેટે લઈ હવામાં ફંગોળતા નીચે પટકાતા બંનેના મોત નિપજ્યા હતા.

આ ઉપરાંત જીપડાલા ચાલકે એક ગાયને પણ ટક્કર મારી મોત નિપજાવી પાટણ હાઈવે પર જૂનાડીસા તરફ નાસી છૂટયો હતો. જ્યારે લોકોએ પીછો કરતા જીપડાલા ચાલક ઢુવા રોડ પર જઈ જીપડાલું એક વીજ થાંભલા સાથે અથડાવ્યું હતું તેમજ ડાલુ મૂકી ચાલક નાસી છૂટ્યો હતો. મૃતક બંનેની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

જ્યારે ડીસા નગરપાલિકાની ટીમે અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે તાત્કાલિક જઈ મૃત ગાયને ખસેડી લીધી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે," જીપડાલા ચાલક ઢુંવા રોડ પર ડાલુ મૂકીને નાસી છૂટયો છે. તેના માલિકનો સંપર્ક કરી ડ્રાઇવરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે અકસ્માતમાં હિટ એન્ડ રન સહિતની કલમો લગાવી દાખલારૂપ સજા થાય તે પ્રમાણે ગુનો નોંધવામાં આવશે."