હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ બેસતા જ ડીસામાં નગરપાલિકા દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માસ-મટનની દુકાનો બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, લોકોના મોટા ટોળા એકત્ર થતાં પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે પાંચથી વધુ દુકાનોને સીલ કરી મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલુ રાખી હતી.
ડીસા શહેરમાં શ્રાવણ મહિનામાં માસ મટનની દુકાનો બંધ કરાવવા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી માસ મટનની દુકાનોને નોટીશો પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ પણ દુકાનો ચાલુ રહેતા આજે શ્રાવણ માસના પ્રારંભે જ પાલિકા દ્વારા માસ મટનની દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જોકે, દુકાનો બંધ કરાવવા જતા લોકોના ટોળેટોળા ઉમટી પડતા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો. પોલીસ આવતા જ ટોળાને વિખેરી દેવાતા પાલિકા દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, પાલિકા દ્વારા કાર્યવાહી કરાતા અનેક દુકાનદારો દુકાનો બંધ કરી નીકળી ગયા હતા. તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કેટલાક દુકાનદારોને બોલાવી અંદર તપાસ કરી માસ-મટનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ અંગે પાલિકાના અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ગેરકાયદેસર રીતે લાઇસન્સ વગર ચાલતી માસ મટનની દુકાનો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચથી વધુ દુકાનોને સીલ માર્યું હતું તેમજ હજુ પણ શ્રાવણ માસ દરમિયાન અનેક વખત તપાસ કરી દુકાનો ચાલુ હશે તો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.