બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના માહી ગામે ભાભી સાથેના આડા સબંધોમાં ભાઈએ જ ભાઈની હત્યા નિપજાવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. હત્યાના બનાવને અંજામ અપાયા બાદ સમગ્ર બનાવ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસને મળેલી બાતમીના આધારે મૃતદેહને કબરમાંથી બહાર કાઢી પીએમ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી ભાઈ અને તેના ભાગીયાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામના માહી ગામે રહેતા નિઝામુંદ્દીન નાદોલીયાનું 24 જૂને મોત થયું હતું. મૃતક નિઝામુદ્દીનના ભાઈ અલ્તાફ નાંદોલીયાએ તેના ભાઈનું ટ્રેક્ટરની અડફેટે મોત થયાનું કહી નિઝામુદ્દીનભાઈના મૃતદેહની અંતિમવિધિ કરી નાખી હતી. જોકે તે બાદ સમય વીતતા ગ્રામજનોને નિઝામુદ્દીનભાઈનું ટ્રેક્ટરની અડફેટે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાની આશંકા જતા ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને નિઝામુદ્દીનના મોત પાછળ તપાસ કરવા માંગ કરતા છાપી પોલીસે નિઝામુદ્દીનના મોત મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી નિઝામુદ્દીનના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી તપાસ શરૂ કરી હતી.
બનાસકાંઠા પોલીસે નિઝામુદ્દીનના મૃતદેહને સૌ પ્રથમ એફ એસ એલમાં પીએમ અર્થે મોકલતા નિઝામુદ્દીનનું ટ્રેક્ટરની અડફેટે મોત નહીં પરંતુ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલતા બનાસકાંઠા એસઓજીની અલગ અલગ ત્રણ ટીમોએ તપાસ હાથ ધરી તો પોલીસને જાણ થઈ કે નિઝામુદ્દીનની પત્ની સાથે અલ્તાફને અનૈતિક સંબંધો હતા અને તેના જ કારણે બંને ભાઈઓ વચ્ચે અનેક વાર તકરાર પણ થતી અને તેને જ કારણે અલ્તાફે પોતાના અનૈતિક સંબંધોમાં કાંટો રૂપ બનતા ભાઈનું કાસળ કાઢવા તેની હત્યા કરાવી અને તે બાદ આ હત્યાને અકસ્માતમાં ખપાવવા આ સમગ્ર કાંડનો તખતો ઘડ્યો હોવાનું ખુલતા બનાસકાંઠા એસોજીની ટીમે અલ્તાફને દબોચી લીધો હતો.
અને તેની સઘન પૂછપરછ કરી તો અલતાફે પોતાના મોઢે જ કબૂલી લીધું કે તેને તેનાભાઈની પત્ની સાથે અનૈતિક સંબધો હતાં અને તેમાં ભાઈ કાંટોરૂપ બનતા અલ્તાફે જ તેના ખેતરના ભાગીયા રહીમ બલોચ અને સલમાન બલોચને આર્થિક લાલચ આપી તેના ભાઈ નિઝામુદ્દીનને બાંધી ટ્રેક્ટરની ટક્કર મારી અને તે બાદ તે મોતને ઘાટ ન ઉતર્યો તો માથાના ભાગે ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસને સમગ્ર હકીકતની જાણ થતા પોલીસે અલ્તાફ સહિત તેના બે ભાગીયા રહીમ બલોચ અને સલમાન બલોચને પણ દબોચી લીધા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.અલ્તાફે સમગ્ર ઘટના પર પડદો પાડવા અને આ આખી હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પોતાના ભાઈના મૃતદેહને કબરમાં તો દાટી દીધો પરંતુ આખરે કબરમાંથી મૃતદેહ બહાર નીકળ્યો અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી જતા પોલીસે અત્યારે તો મૃતકના ભાઈ અલ્તાફ સહિત રહીમ બલોચ અને સલમાન બલોચ સામે નિઝામુદ્દીનની હત્યાનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.