દિવસે દિવસે વાહનોમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે મોટાભાગના માર્ગો ટ્રાફીકના લીધે વ્યસ્ત બન્યા છે. તેમાંય ડીસાથી પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર જતાં માર્ગ ટ્રાફીકને લઇ અત્યંત વ્યસ્ત રહે છે. જેથી રાજ્ય સરકારે ડીસાથી જૂનાડીસા, ગઢ કાણોદરનો માર્ગ રૂ. 24 કરોડના ખર્ચે અને ડીસા તાલુકાના જૂનાડીસાથી સમૌ વાયા વાસણા સદરપુર રોડ રૂ. 47 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

 ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે જીલ્લાના પશ્ચિમ વિસ્તાર જેવા કે ધાનેરા, લાખણી, થરાદ, વાવના લોકોને પાલનપુર ખાતે ટ્રાફીકની અતિ વ્યસ્તતા અસર કરતી હતી. પાલનપુરના એરોમા સર્કલ ઉપર ટ્રાફીકનું ભારણ ઘટાડવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ ડીસા-જૂનાડીસાથી ગઢ, કાણોદરના માર્ગને અને ડીસાથી સમૌના માર્ગને 10 મીટર પહોળો કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠાના નાગરિકો માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું હતું. જેમાં ડીસાના જૂનાડીસાથી ગઢ, કાણોદર સુધીના હયાત સ્ટેટ માર્ગને રૂ. 24 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા અને એ જ રીતે ડીસાથી પાટણ રોડ પર આવેલા જૂનાડીસાથી વાયા વાસણા, લુણપુર, ઝાબડીયા થઇ સમૌ સુધીના માર્ગને પણ રૂ. 47 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા માટેની મંજૂરી આપી દીધી છે. જેને લઇને વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે.

આ માર્ગો પહોળા બનતાં ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે પાલનપુરના એરોમા સર્કલ તરફ નહીં જવું પડે. જ્યારે વધુ પડતાં ટ્રાફીકના ભારણને મહદ્દઅંશે હળવો કરી શકાશે. જેનો સીધો લાભ ધાનેરા, થરાદ, વાવ, લાખણી શિહોરી જેવા તાલુકાના લોકોને મળશે. આગામી દિવસોમાં આ માર્ગ ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે.