સિગારેટ અને અન્ય તમાકુ ધરાવતા પદાર્થોના પેકિંગ માટે કેન્દ્ર સરકારે નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી નિર્દેશો અનુસાર હવે સિગારેટ અને અન્ય ઉત્પાદનોના પેકેટ પર મોટા અક્ષરોમાં તમાકુ સેવન એટલે અકાળે મૃત્યુ એવું લખેલું જોવા મળશે. આપને જણાવી દઇએ કે આ પહેલા તમાકુ ધરાવતી પ્રોડક્ટ્સના પેકેટ પર તમાકુ એટલે દર્દનાક મોત જેવી ચેતવણી લખવામાં આવી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી સંશોધિત નિયમ 21 જુલાઇના રોજ જારી કરવામાં આવ્યા છે. નવા નિયમો 1, ડિસેમ્બર, 2022થી લાગુ થશે. તે ઉપરાંત પેકેટના પાછળના ભાગમાં કાળી પૃષ્ઠભૂમિમાં આજે જ છોડો, કોલ કરો 1800-11-2356 લખ્યું હશે.
આપને જણાવી દઇએ કે કોઇપણ પ્રકારના તમાકુ અથવા તેને લગતી પ્રોડક્ટ્સ કોઇ સગીરને વેચવી એ ન્યાય અધિનિયમ 2015ની કલમ 77નું ઉલ્લંઘન છે. આ કાયદા અંતર્ગત આરોપીને સાત વર્ષની કેદ અને એક લાખ રૂપિયા સુધી દંડ ફટકારવાની જોગવાઇ છે.
તમાકુના સેવનથી દર વર્ષે 80 લાખ લોકોના મોત થાય છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ અનુસાર દુનિયાભરમાં તમાકુની વિવિધ પ્રોડક્ટ્સને સેવનને કારણે દર વર્ષે 80 લાખ લોકોનાં મોત થાય છે. તમાકુના સેવનને રોકવા માટે જાગૃતિ લાવવા દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે તમાકુના ખતરા વિશે દુનિયાભરના લોકોને જાગૃત કરવામાં આવે છે.