ધાનેરાના જોરાપુરામાં દોઢ વર્ષ અગાઉ માતા-દીકરીનું અગમ્ય કારણોસર મુત્યું થયું હતું. પરંતું પાંચ દિવસ પછી એક વીડિયો વાયરલ થતાં યુવતીના ભાઈને શંકા ગઈ હતી અને ધાનેરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી. જેમાં કોર્ટે એક વર્ષ અને નવ મહિના પછી યુવતીના પતિ સામે દુસ્પ્રેરણનો ગુનો નોંધવા ગુરૂવારે હૂકમ કર્યો હતો.
યુવતીના ભાઈ વિક્રમભાઈ ભેટોરે જણાવ્યું હતું કે, ધાનેરાના જોરાપુરા ગામના કિરતભાઈ ઇશ્વરભાઇ ગલચર સાથે મારી બેનના લગ્ન કરવામાં આવ્યા હતા. એકાદ વર્ષ પછી દીકરીનો જન્મ થતાં સાસરી પક્ષના લોકો ત્રાસ આપવા લાગ્યા હતા. અને મારી બહેન અમારા ઘરે આવતી રહી હતી. અમે સમજાવીને બહેનને સાસરે મોકલી હતી. ત્યારે 6 સપ્ટેમ્બર-2022 ના રોજ અગમ્ય કારણોસર મારી બહેન અને ભાણીનું મૃત્યુ થયું હતું.
તે સમયે મારી બહેનના સાસરી પક્ષ તરફથી અમને એવું જણાવવામાં આવ્યું હતું કે, પાણીના હોજમાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું છે. પરંતુ સાચું કારણ જણાવ્યું ન હતું. પાંચ દિવસ પછી એક વીડિયો મને મળ્યો હતો. જેમાં એક વ્યક્તિ મારી બહેનની લાશને સાસરીના ઘરમાં આવેલા પાણીના હોજમાંથી બહાર કાઢી રહ્યો હતો. જેથી મને શંકા જતા 13 સપ્ટેમ્બર-2022 ના રોજ ધાનેરા પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ આપી હતી. તપાસ અધિકારીએ 15 સપ્ટેમ્બર-2022 ના રોજ જોરાપુરા ગામમાં જ્યાં બંને માતા-દીકરીના મૃતદેહ દફન કરવામાં આવ્યા હતા તે મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કાર્યવાહી થયા બાદ કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં ન આવતાં તેમજ તપાસ પૂર્ણ કરવામાં વિલંબ થતાં વારંવાર નિષ્પક્ષ તપાસ થાય તેવા પ્રયત્નો કર્યા હતા. જે તે વખતે તપાસના કામે લાગેલ લાગતા-વળગતા સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. તેમજ માતા-દીકરીના મૃતદેહના અમુક ભાગોને એફએસએલમાં પણ મૂકવામાં આવ્યા હતા. તે બાદ પણ સંતોષકારક પરિણામ ન મળતા 20 મે-2023 ના રોજ ધાનેરા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
ધાનેરા કોર્ટ દ્વારા સાક્ષીઓના નિવેદન, એફએસએલ રિપોર્ટ, વિડિયો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો અને પુરાવાને ધ્યાનમાં લઇ ફરિયાદી પક્ષના વકીલ જનાર્દનભાઈ ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખી ગુરુવારે ધાનેરા કોર્ટે હેતલબેનના પતિ કિરતભાઈ ઇશ્વરભાઇ ગલચર વિરુદ્ધ દુષ્મેરણનો ગુનો નોંધવા હૂકમ કર્યો હતો.