19 જુલાઈ

વડોદરાની સ્કૂલની હચમચાવતી દુર્ઘટના

વડોદરાના વાઘોડિયા રોડ, ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક એક ક્લાસ રૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આથી ચાલુ ક્લાસ રૂમમાંથી બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે, જ્યારે અન્યોને પ્રાથમિક સારવાર બાદ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જ્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં કપૂરાઈ પોલીસે હાલમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાની જાણવાજોગ ફરિયાદ લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

19 જુલાઈ, શુક્રવારે વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલયમાં એક ક્લાસરૂમની દીવાલ ધરાશાયી થતા 4 બાળકો બેન્ચ પર બેઠા હતા અને ધડામ દઈને 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કાટમાળ સાથે ખાબક્યા... બસ પછી તો અફરાતફરી અને બાળકો ધ્રુજવા લાગ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી બહાર આવ્યા અને જોતા જ સૌ કોઈના શ્વાસ થંભી જાય તેવા દૃશ્યો જોવા મળ્યા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ત્રણ ટાંકા આવ્યા છે. આ કોઈ પહેલી દુર્ઘટના નથી. પરંતુ 23 દિવસમાં ચાર સ્કૂલમાં મોટી દુર્ઘટના બની છે. અમદાવાદમાં જ ત્રણ-ત્રણ સ્કૂલમાં આગની દુર્ઘટના બની હતી. જેમાં 11 જુલાઈએ શેલામાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગી હતી અને સંચાલકોએ આખી ઘટનાને છૂપાવતા વાલીઓએ બીજા દિવસે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ, ડીઇઓ સહિતનાને દોડતા કરી દીધા હતા. 10 જુલાઈએ મણિનગરમાં સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી. તેમજ 27 જુને નારોલની ડિવાઇન લાઈફ ઇન્ટરનેશલ સ્કૂલમાં આગથી અફરાતફરી મચી હતી. વારંવાર સ્કૂલોમાં બનતી દુર્ઘટનાથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા છે. હવે તો વાલીઓ પણ કહી રહ્યા છે કે, અમારા સંતાનોને સ્કૂલે મોકલતા ડર લાગે છે.