ડીસા-પાટણ હાઈવે પર રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. કાર ડિવાઈડર સાથે ટકરાતા બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસા-પાટણ હાઈવે પર રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રે પંચાલ પરિવાર કારમાં ડીસાથી પાટણ તરફ જઈ રહ્યો હતો અને જુનાડીસા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલ ગાડીની લાઈટથી કારચાલકની આંખો અંજાઇ જતા તેને સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બેઠેલા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવના પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર નીકાળ્યા હતા.

અકસ્માત અંગેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. એક જ અઠવાડિયામાં ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા પાસે આ બીજો અકસ્માત સર્જાયો હતો.