જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લાના ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓને જનકલ્યાણના કાર્યોમાં ગતિશીલતાથી કામગીરી કરવા સુચન કરવામાં આવ્યું

 જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોશ્રીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્વચ્છતા, રોડ-રસ્તા, પાણી, વીજળી, એસ.ટી બસ સેવા, ખેતી માટે સિંચાઈ વ્યવસ્થા, ગેરકારદેસર બાંધકામ સહિતની જાહેર હિતને લગતી બાબતો વિશે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને સંબધિત વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે રૂબરૂ જ ચર્ચા કરી જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રશ્નોના નિવારણ માટે ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જ ધારાસભ્યશ્રીઓએ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને રોડ-રસ્તા જેવા અતિ મહત્વના વિષયો પર ત્વરીત કામગીરી દ્વારા સમસ્યાઓના નિકાલ લાવવા સુચનો કરાયા હતા.

 વધુમાં સંકલનના સામાન્ય મુદ્દાઓ જેમ કે કચેરી વિષયક પડતર તુમારો, લોકોની પડતર અરજીઓ, સરકારી લેણાની વસુલાત, વિભાગો વચ્ચે સંકલનના પ્રશ્નો વગેરે બાબતે ચર્ચા કરી જિલ્લા વહિવટને વધુ કાર્યદક્ષ અને લોકાભિમુખ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

 સંકલન સમિતિની બેઠક બાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં પુરતા પ્રમાણમાં ઘંઉ, ચોખા, ખાંડ સહિત રાશન માટેનો જથ્થો તૈયાર રાખવા, ભેળસેળવાળી ચીજવસ્તુઓના નમુના ચકાસણી અર્થે મોકલવા, નવા રેશનકાર્ડ પરમીશન સહિતના મુદ્દે કરવામાં આવેલ કામગીરીની માહિતિ આપવામાં આવી હતી. સાથે ધારાસભ્યશ્રીઓ દ્વારા ગોડાઉન પરથી સસ્થા અનાજની દુકાનો માટે યોગ્ય રેશનનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવા સુચન કરવામાં આવ્યુ હતુ. સાથે જ નવી રેશનની દુકાન માટે ઘટતુ કરવા અપીલ કરવામાં આવી હતી.

 બેઠક અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આગામી સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી કાર્યક્રમમાં સૌ ધારાસભ્યશ્રીઓને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

 આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય શ્રી કલ્પેશ પરમાર, મહુધા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહીડા, કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા, ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ. ડી. વસાવા, જિલ્લા વન સંરક્ષક શ્રી અભિષેક સામરીયા,અધિક નિવાસી કલેક્ટર શ્રી ભરત જોષી, ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રીઓ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ સંજય ચુનારા ખેડા