ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સોમવારે સાધારણ સભા યોજાવાની હતી. જોકે,માર્કેટ યાર્ડના ચેરમેન સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ વહીવટ કરતા હોવાનું કારણ આગળ ધરી તમામ 15 સભ્યો ગેરહાજર રહ્યા હતા જેના કારણે સાધારણ સભા થઈ શકી ન હતી.
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા સોમવારે યોજાનારી હતી. તમામ 15 સભ્યોએ વિરોધ નોંધાવીને ગેર હાજર રહી સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો. જેથી આ અંગે ગેરહાજર રહેલા સભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પોતાના કામો બોર્ડમાં સમાવેશ કરવામાં આવતો ન હોવાથી બોર્ડમાં હાજર રહેવું નકામું છે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગોવાભાઇ દેસાઇની પેનલને માર્કેટયાર્ડની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, ભાજપના મોવડી મંડળે તેમને ચેરમેન બનાવ્યા હતા. પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેમનો લાભ મળ્યો નહતો. તેના લીધે ગોવાભાઇ દેસાઇનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું હોવાનું રાજકીય અભ્યાસુ માની રહ્યા છે.
આ અંગે સભ્ય કલ્યાણભાઇ રબારી એ જણાવ્યું હતું કે, વર્તમાન ચેરમેન તેમના કામોને એજન્ડામાં સમાવેશ ના કરતાં હોવાના લીધે તેમનું બોર્ડમાં રહેવું નકામું છે.
આ અંગે સભ્ય અને ધારાસભ્યના પિતરાઇ ભાઇ રમેશભાઇ ટાંકે જણાવ્યું હતું કે, વર્તમાન ચેરમેન કોઈપણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવી રહ્યા છે.. જેથી તેમના દ્વારા આચરવાઆમાં આવતી ગેરરીતિમાં તેઓ કોઈપણ રીતે સામેલ થવા માંગતા નથી.અને ચેરમેન દ્વારા પાર્ટી લાઇનથી વિરુધ્ધ જઈને વહીવટ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે વાઇસ ચેરમેન અરજણભાઇ પટેલે જણાવ્યું હતું કે, મનસ્વી નિર્ણય લેવા ઉપરાંત સભ્યોને વિશ્વાસમાં લીધા વગર તઘલખી વહીવટ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે ચેરમેન ગોવાભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, નારાજગીનું કોઈ કારણ નથી. બે-ચાર સભ્યોને કામ આવી જવાથી ગેરહાજર રહ્યા હતા જેથી સભા રદ કરી છે. સહકારમાં બધા જોડે હોય તો સારું રહે એટલે નવી તારીખ જાહેર કરીશું. ચેરમેને નવી ગાડી ખરીદવા અંગે તેમજ નકશા અંગે સભ્યોમાં કોઈ નારાજગી નથી તેમ જણાવ્યું હતું.