ડીસાના નાની આખોલમાં યુ.જી.વી.સી.એલ. પરિવાર દ્વારા યુ.જી.વી.સી.એલ. કચેરી કમ્પાઉન્ડમાં આવેલ શ્રી પરંજય હનુમાન દાદાના મંદિરની પુનઃ પ્રાણ-પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી.
ડીસા તાલુકાના નાની આખોલમાં આવેલ મહાકાળી માતાજી મંદિરના પાછળના ભાગમાં આવેલ યુ.જી.વી.સી.એલ. કચેરી કમ્પાઉન્ડમાં યુ.જી.વી.સી.એલ. પરિવાર અને ગ્રામજનો દ્વારા પુરાણા શ્રી પરંજય હનુમાન દાદાના મંદિરની પુનઃ પ્રાણ-પ્રતિષ્ઠા યોજાઇ હતી. જેમાં ગુરૂવારે યુ.જી.વી.સી.એલ. કચેરીથી ડી.જે.ના તાલે શ્રી પરંજય હનુમાન દાદાની વિશાળ શોભાયાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી હતી.
જ્યારે ગુરૂવારે રાત્રે કલાકારો દ્વારા વિશાળ ભજન સત્સંગ (ડાયરા) માં મોડી રાત સુધી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા. જ્યારે શુક્રવારે સવારે વાજતે-ગાજતે શ્રી પરંજય હનુમાન દાદાના નવિન મંદિરમાં વૈદાંત મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરાઇ હતી. જ્યારે યુ.જી.વી.સી.એલ. પરિવારે યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી.
જ્યારે યુ.જી.વી.સી.એલ. પરિવાર અને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ડીસા યુ.જી.વી.સી.એલ. પરિવારના સભ્યો અને નાની આખોલના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.