પાવીજેતપુર થી ભેંસાવહી જતા પુલો ઉપર સફાઈ ન થવાના કારણે તળાવ જેવો માહોલ : રાહદારીઓ પરેશાન
પાવીજેતપુર થી ભેંસાવહી તરફ જતા રસ્તામાં આવતા પુલોની સફાઈ ન થવાના કારણે પુલોની ઉપર પાણીના ખાબોચિયા ભરાઈ, તળાવ જેવો માહોલ થઈ જતા રાહદારીઓ તેમજ બાઈક ચાલકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે.
સામાન્ય રીતે ચોમાસા આવતા પહેલા, પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે પુલોની ઉપર બનાવેલા હોલ ( કાણા ) ચોખ્ખા કરવા માં આવતા હોય છે તેમજ માટી અને રેતીના થર બાજી ગયા હોય તો તેને સફાઈ કરી પાણી નો તરત નિકાલ થઈ જાય તેવું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે પાવીજેતપુર થી રતનપુર વચ્ચે તેમજ રતનપુર થી ભેંસાવહી વચ્ચે આવેલ બંને પુલો ઉપર કોઈપણ પ્રકારની સફાઈ નું કામ કરવામાં ન આવવાના કારણે ચાર છાંટા પડતા ની સાથે જ આ બંને પુલો ઉપર તળાવ જેવી પરિસ્થિતિ થઈ જાય છે. જે રસ્તા ઉપરથી પસાર થતા નાકે દમ આવે છે. આ પુલ ઉપર ફોરવીલરો પણ પસાર થતી હોય ત્યારે ચાલીને જતા તેમજ બાઈક ઉપર જતા લોકો ઉપર આ ગંદા પાણીના છાંટા પણ ઉડે છે. જેને લઇ ઝઘડા પણ થાય છે અને ક્યારેક તો બાઈક ચાલકોને પોતાના ઘરે પરત જઈ કપડાં બદલીને ફરીથી જવું પડે છે. આવી પરિસ્થિતિ થઈ જવા પામી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક માણસો મોકલી સફાઈ કામ કરાવી આ પુલો ઉપરથી પાણીનો તરત નિકાલ થઈ જાય તેવું આયોજન કરવામાં આવે તેવી તાલુકાના દક્ષિણ વિસ્તારના ગામોના લોકોની બુલંદ માંગ ઉઠી છે.
આમ, પાવીજેતપુર થી ભેંસાવહી જતા રસ્તામાં આવતા પુલો ઉપર સફાઈ કામ કરવામાં ન આવવાના કારણે પાણીના ખાબોચિયા ભરાય તળાવ જેવું થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યો છે તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે તે ખૂબ જરૂરી છે.