પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં જેમ જેમ તેમની આતંકી ગતિવિધિઓ વધારી રહ્યાં છે તેમ તેમ તેમનો વધારેને વધારે ખાતમો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોના મોટા સફાઈ અભિયાનમાં ઘણા આતંકીઓ માર્યાં ગયા છે તો સામે પક્ષે આતંકવાદીઓ પણ ભુરાયા થયાં છે અને આડેધડ હુમલાને અંજામ આપી રહ્યાં છે. આજે કઠુઆમાં આતંકીઓએ આર્મીના વાહન પર હુમલો કર્યો હતો. આતંકી હુમલા બાદ ખીણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

કઠુઆના બિલાવરના મછેડી એરિયામાં આતંકીઓ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંકીને ભાગ્યાં હતા. ગ્રેનેડ હુમલામાં 2 જવાન ઘાયલ થયાં હતા.

ગઈ કાલે રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.