જળ એજ જીવન........
ખેડબ્રહ્માના ગલોડિયા ગામે વેડંચા મોડલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ -પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત છે
ગામના દરેક ઘરનું પાણી ગરટ લાઇન મારફતે તળાવમાં અને મોટર દ્રારા પ્લાન્ટમાં નાખી ચાર કુંડીઓ મારફતે પાણી શુધ્ધીકરણ કરાય છે
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામે પાણી શુદ્ધિકરણ માટે વેડંચા મોડેલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જેના થકી ગામના ગટરના અશુદ્ધ પાણીને શુદ્ધ કરી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે. તેમજ વધારાના પાણીને નદીમાં વહાવી દેવાય છે. પાણી શુધ્ધ થતા વધેલા કચરાને- કાળા સોના તરીકે- ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
ગામના સરપંચ શ્રી વિનોદભાઇ જણાવે છે કે, જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગલોડીયા ગામે આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ થકી અશુધ્ધ પાણીની એક એક બુંદ ને શુધ્ધ કરી ઉપયોગમાં લઈ શકાય છે. જેના કારણે પાણીનો બચાવ થાય છે.
ગામની ગટરનું ગંદુ પાણી તળાવમાં એકત્રિત કરી મોટર દ્વારા પ્લાન્ટમાં નાખવામાં આવે છે. આ પ્લાન્ટમાં ચાર અલગ અલગ કુંડીઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ કુંડીમાં કોલસા અને ફટકડી દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય છે તે પાણી બીજી કુંડીમાં અને ત્યારબાદ ત્રીજી કુંડીમાં રેતી અને પથ્થરોમાં શુદ્ધ થયા બાદ ચોથી કુંડીમાં શુદ્ધ પાણી મળે છે. આ પાણી ખેતી માટે ઉપયોગ કરી શકાય છે તેમજ આ કુંડીઓ સાફ કરતા અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ થતા નીચે વધેલા કચેરાને સુકવી તેમાંથી ફળદ્રુપ ખાતર મળી રહે છે. જે ખેતીમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન્ટ થકી આઠ લોકોને રોજગારી મળી રહી છે અને ખેતી ઉપયોગી પાણી બનતા પાણીનો સદુપયોગ થઈ રહ્યો છે.
વધુમાં વિનોદભાઇ આ પ્લાન્ટના ફાયદા જણાવે છે કે, આ પ્લાન્ટની પાછળ આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. જેમાં આ પાણી અપાય છે. ગામનું પાણી અહિં શુધ્ધ થતા પાણીની બચત થતા ભવિષ્યમાં અમે ભૂગર્ભ કુવા રીચાર્જ કરી પાણીના તળ ઉંચા લાવી શકીશું. હાલ ગામમાં ગંદકી થતી નથી.
આમ ગલોડીયા ગામે ચાલતા આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ગંદા પાણીને શુધ્ધ કરી ફરી ઉપયોગમાં લેવાથી પાણીનો બચાવ થાય છે. આ પ્લાન્ટની શરૂઆત બનાસકાંઠા ના વેડંચા ગામે થઈ હોવાથી આને વેડંચા મોડલ તરીકે ઓળખવામાં આવે છે.