જય રણછોડ માખણ ચોરના નાદથી આજે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે શહેરના સહુથી પ્રાચીન રામજી મંદિરથી 26 મી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાના 5 કિલોમીટર લાંબા રુટ પર ભક્તોનું સૈલાબ ઉમટી પડ્યું હતું.

આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા હતા. ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા 26 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે. ત્યારે આજે ડીસા શહેરના જુના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા રીસાલા મંદિરથી એસ.સી.ડબલ્યુ. ચાર રસ્તા, અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સરદારબાગ આગળ પહોંચી હતી. જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો હતો. બગીચા સર્કલ પર ઊંચી ક્રેન પર પાલખી લગાવી અગ્રણીઓએ તેમાં બેસી ફુલ વર્ષા કરી હતી. સમગ્ર શહેરમાં આ પાલખી ક્રેન ચર્ચાસ્પદ બની હતી. શોભાયાત્રામાં દુર્ગા વાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠી દાવ કરી શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ત્યારબાદ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રુટ પર આગળ વધી હતી. ત્યારબાદ ફુવારા સર્કલ, ગાંધી ચોક થઈ નિજ મંદિર પરત ફરી હતી. આ શોભાયાત્રામાં લાઈવ ડી.જે., ઘોડા, ઊંટલારીઓ, આનંદ ગરબા મંડળીઓ, ભજન મંડળીઓ, અખાડાઑ, સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

રથયાત્રાના બંદોબસ્ત માટે રેન્જ કચ્છ-ભૂજ આઇ.જી. ચિરાગ કોરડીયા, બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો.