ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.

કડી વિધાનસભા બેઠક

મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતી બેઠક છે, પાટનગર ગાંધીનગર અને મહેસાણાની નજીક આવેલી આ વિધાનસભા બેઠક મુખ્ય રીતે ભાજપપક્ષી રહી છે.
વર્ષ 2012ની ચૂંટણીથી આ બેઠક ST સમાજના ઉમેદવારો માટે અનામત બની હતી.
કડી વિધાનસભા બેઠક પરથી 1975માં ભારતિય જનસંધે સૌથી પહેલા વિજય મેળવ્યો હતો, જ્યારે વર્ષ 1990માં ભાજપના નિતિન પટેલ જીત્યા ત્યારે ભાજપના અહીંથી શ્રીગણેશ થયા હતા.
નિતિન પટેલ અહીથી 1990 બાદ, વર્ષ 1995, 1998 અને 2007ની વિધાનસભાની ચુંટણીઓ જીતીને ધારાસભ્ય રહ્યાં છે.
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદની ચુંટણીમાં તે સમયે કેબિનેટ મંત્રી હોવા છતાં નીતિન પટેલ આ બેઠક પરથી કોંગ્રેસના બળદેવજી ઠાકોર સામે ચુંટણી હારેલા, જે બાદ વર્ષ 2007માં નીતિનભાઈએ પાછી વાપસી કરીને આ બેઠક પરથી જીત મેળવેલી, અને સરકારમાં મંત્રી બન્યા હતાં.

આ બેઠક પરનું જ્ઞાતીગત ગણિત

કડી વિધાનસભા બેઠક વર્ષ 2012થી ST સમાજના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, તેમ છતાં આ બેઠક પર ST સમાજના મતદારો સિવાય અન્ય જ્ઞાતિઓનો પણ ચુંટણી પરિણામો પર દરોમદાર રહેલો છે આ વિસ્તારમાં વિવિધ જ્ઞાતિઓના મતદારોની ગણતરી કરીએ તો અહીં પાટીદાર સમાજના મતદારો 26.7 ટકા, ઠાકોર સમાજના 21.8 ટકા, રાજપૂત સમાજના 2.8 ટકા, સવર્ણ સમાજના 3.2 ટકા, મુસ્લિમ સમાજના 9.6 ટકા, ઓબીસી સમાજના 16.1 ટકા, અને SC-ST જાતિના સમૂહ સમાજના 19.4 ટકા મતદારો છે.

જેમાં મુખ્યત્વે પાટીદાર સમાજ અને ST સમાજના ઉમેદવારો ચુંટણી સમયે પરિણામોમાં ફેરફાર કરવાનો ક્ષમતા ધરાવતા રહ્યા છે.

આ બેઠક પર આગામી ચુંટણીમાં સંભવિત રાજકીય સ્થિતિ

કડી વિધાનસભા બેઠક પર સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ સમાંતર જીત મેળવતા રહ્યું છે, છેલ્લા 30 વર્ષોની વાત કરીએ તો વર્ષ 2002 અને 2012ની ચુંટણીમાં આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી, આ સિવાય તમામ ચુંટણીઓમાં ભાજપે અહી જીત મેળવી છે,
મૂળભૂત રીતે ભાજપની ગણાતી આ બેઠક 2012માં નવા સીમાંકન બાદ કોંગ્રેસને ફાયદારૂપ નીવડી છે, જેથી આગામી ચુંટણીમાં પણ આ બેઠક પર બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે તે ચોક્કસ છે.
પરંતુ મૂળભૂત રીતે ભાજપની ગણાતી આ બેઠક પર ઉમેદવારી નોંધાવવા માટે નેતાઓની પડાપડી તેજ હોય તેવું દેખાઈ આવે છે, જોવું રહેશે કે નબળી પડતી ગુજરાત કોંગ્રેસ પોતાની સંભવિત આ બેઠક ફરી પાછી મેળવી શકે છે કે પછી ભાજપને ફાળે ફરી મળશે.