અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ ભગવાનને મોસાળમાં મોકલવાની પરંપરા અંતર્ગત ડીસામાં ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજી વટસાવિત્રી પૂર્ણિમા નિમિત્તે મોસાળ કચ્છી કોલોની સ્થિત પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી શુક્રવારે ભગવાનને મોસાળમાંથી મામેરું ભર્યા બાદ વિદાય આપી પરત નિજ મંદિર લઈ જવાયા હતા.

ડીસામાં અષાઢી બીજે મોટા રામજી મંદિરથી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા નીકળનારી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભગવાનનું મોસાળું ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કરાયું હતું.

રીસાલા ચોક નજીક આવેલા રામજી મંદિરથી પાલખી યાત્રા દ્વારા ભગવાનને પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન કરાયા હતા. મોસાળમાં દરરોજ ભક્તિભાવ માહોલમાં ભજન સત્સંગ, આનંદ ગરબો, સુંદરકાંડ પાઠ, 56 ભોગ, મહાઆરતી જેવા કાર્યક્રમ યોજાયા હતા.

ત્યારબાદ અષાઢ વદ અમાસના દિવસે સાંજે પાતાળેશ્વર મંદિરમાં મામેરું ભર્યા બાદ ભગવાનને વાજતે ગાજતે મોસાળમાંથી વિદાય આપી નિજમંદિર પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યાં મોડી સાંજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. હવે અષાઢી બીજે સવારે રથયાત્રા અગાઉ આંખેથી પાટા ઉતાર્યા બાદ મહા આરતી કરી રથયાત્રા પ્રસ્થાન કરશે.