ડીસા શહેરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી શોધી " તેરા તુજકો અર્પણ"ની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા હતા. અગાઉ પણ ઉત્તર પોલીસે બે વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજી 34 ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કર્યા હતા.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઇન ફરિયાદો લેવામાં આવે છે. ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદો ઓનલાઇનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી. આ ઉપરાંત અનેક અરજદાર હોય ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઇલ ફોન ખોવાયો હોવાની અરજી પણ આપી હતી.

જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી સી.એલ.સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઇ વી.એમ. ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ-અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલા હોય તે મોબાઈલની કોલ ડીટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ 27 મોબાઇલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી.

જેથી પોલીસે આ મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી" તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા.