બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર ચાલી રહી છે. ગફલતભરી ડ્રાઈવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહનચાલકો દ્વારા અકસ્માતો સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે.
ત્યારે આજરોજ ડીસા-ભીલડી હાઈવે પર ભીલડી રેલવે બ્રિજ પર મુકવામાં આવેલા ડિવાઇયરના કારણે આગળ જઈ રહેલા એક ટ્રેલર પાછળ પૂરપાટઝડપે આવતું ટ્રેલર ધુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર ક્લીનરનું સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
આ ઘટનાની જાણ થતાં ભીલડી પોલીસે આવી મરણ જનાર કમલેશભાઈ માંગીલાલ ભીલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ભંવરલાલ જયરામજી ઔડ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભીલડી રેલવે બ્રિજ પર કામ હાલમાં ગોકળગતિએ ચાલતું હોવાથી ડાયવર્ઝન મુકવામાં આવેલું છે. જેને લઇને વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે રેલવે બ્રિજ પર તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.