બનાસકાંઠા જીલ્લાનો દાંતા તાલુકો મોટાભાગે પહાડી અને ઢલાંગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકો મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહનચાલકોના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠલાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે દાંતા તાલુકાના અંતરિયાળ માર્ગ પર એક જીપને અકસ્માત સર્જાયો હતો.
દાંતા તાલુકામાં પહાડી માર્ગ પર જીપ પલ્ટી હતી. જેમાં 1નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો જીપમાં સવાર અન્ય 13 થી વધુ લોકો ઘાયલ થયા હતા. દાંતા તાલુકાના અંતરિયાળ એવા ઘરેડા ગામ પાસે આ બનાવ બન્યો હતો. ઘરેડા ગામથી મામેરુ ભરીને જીપ વિરમવેરી જતી હતી અને જીપમાં આશરે 15 થી 16 મુસાફર બેઠેલા હતા. ઘરેડાથી વિરમવેરીનો માર્ગ ખરાબ હોઈ જીપ પલટી ખાઈ ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત 10 થી 12 લોકોને સારવાર અર્થે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા 108 ની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના પહાડી વિસ્તારમાં આ અકસ્માતનો બનાવ બન્યો છે. ઘટનાની જાણકારી મળતા દાંતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.