ડીસા શહેરમાં વધતા જતા વિકાસ અને વિસ્તારની સાથે સાથે ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરના પાટણ હાઇવે પર બનેલા બે શોપિંગ સેન્ટરો રહેણાક વિસ્તારમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે બનાવેલા હોય બંનેને શરત ભંગ કરવા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.

ડીસા શહેરમાં પાટણ હાઇવે પર સર્વે નં. 222 પૈકી 55 અને 56 વાળી જગ્યામાં ઉભા કરાયેલા શોપિંગ સેન્ટરો શરત ભંગ કરીને બનાવાયા છે. બિલ્ડરો દ્વારા રહેણાક વિસ્તાર દર્શાવી તેમાં કોમર્શિયલ બાંધકામ ઊભું કરી દેવાયું છે. આ ઉપરાંત સોસાયટીના કોમન પ્લોટમાં પણ તેના દરવાજા મૂકી નિયમ વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. જે અંગેની રજૂઆત થતા ડીસા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તેઓને નોટિસ આપી હતી.

 ત્યારબાદ તેનું પંચનામું કરવામાં આવતાં બંને શોપિંગ સેન્ટરોમાં શરત ભંગ થઈ હોવાનું જણાયું હતું.જેથી પાલિકા દ્વારા આ અંગે બિલ્ડરો દ્વારા હેતુફેર કરાયો હોઇ બંને કોમ્પ્લેક્સોને શરત ભંગ કરવા ડીસા શહેર મામલતદારને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રકરણ સોંપવામાં આવ્યું છે.

આ અંગે ડીસા નગરપાલિકાના જુનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર મનહર ઠાકોરે જણાવ્યું હતું કે, સર્વે નં. 222 પૈકી 55 અને 56 વાળી જગ્યામાં રહેણાંકમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભા કરી દેવાયા હોવાથી શરત ભંગ કરવા મામલતદારને સમગ્ર પ્રકરણ મોકલવામાં આવ્યું છે.