છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા સામાન્ય વરસાદના કારણે એક તરફ લોકોમાં ખુશી છે તો બીજી તરફ ક્યાંકને ક્યાંક વર્ષોથી ચાલી આવતી રસ્તાઓની તકલીફોના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જેમાં ડીસા તાલુકાના કંસારી ગામથી ઝેરડા ગામ સુધી જોડતો રસ્તો સામાન્ય વરસાદમાં બંધ થઈ જતા હાલમાં વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડી શાળા સુધી પહોંચાડવા માટે વાલીઓ મજબૂર બન્યા છે.

ડીસા તાલુકાના કંસારી ગામથી ઝેરડા ગામને જોડતો રસ્તો દર વર્ષે વરસાદના કારણે બંધ થઈ જાય છે. અહીં મોટાભાગે ખેડૂત અને પશુપાલકો વસવાટ કરે છે પરંતુ દર વર્ષે વરસાદ શરૂ થતાની સાથે જ આ વિસ્તારના લોકોને રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે રસ્તો બંધ થઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

 ડીસા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ ન જેવા વરસાદમાં જ કંસારીથી ઝેરડાને જોડતો રસ્તો હાલમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે અનેક જગ્યાએ પાણીના વહેણના કારણે ખાડાઓ પણ પડી ગયા છે. જેના કારણે લોકોને ભારે તકલીફો પડી રહી છે.

બીજી તરફ અહીં આજુબાજુના વિસ્તારમાંથી અનેક ખેડૂતના દીકરા-દીકરીઓ અભ્યાસ માટે આવે છે પરંતુ ચાર મહિના સુધી આ રસ્તા પર પાણી ભરાઈ રહેતા વિદ્યાર્થીઓને પણ ટ્રેક્ટરમાં બેસાડીને અભ્યાસ માટે મોકલવા પડે છે.

અત્યારે પણ વાલીઓએ પોતાના ટ્રેક્ટરમાં 30 જેટલા વિદ્યાર્થીઓને બેસાડી શાળાએ મૂકવા અને લેવા માટે મજબૂર બનવું પડ્યું છે. ત્યારે હાલ તો વિસ્તારના લોકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે અહીં રસ્તો બનાવવામાં આવે જેથી આવનારા સમયમાં જે પાણી ભરવાના કારણે રસ્તો બંધ થઈ જાય છે તે તકલીફ ભોગવી ન પડે.