રિલાયન્સ જિયો પછી ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે મોબાઈલ ટેરિફમાં 10%-21% વધારો કરવાની જાહેરાત કરી છે. સુનીલ ભારતી મિત્તલની ટેલિકોમ કંપનીએ કહ્યું કે તે 3 જુલાઈ, 2024થી મોબાઈલ ટેરિફમાં સુધારો કરશે.

હવે 179 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયામાં મળશે. તે પણ 28 દિવસની માન્યતા, અમર્યાદિત કૉલિંગ અને 2 જીબી ડેટા ઓફર સાથે મળશે. જ્યારે 265 રૂપિયાનો પ્લાન 299 રૂપિયામાં મળશે. આમાં, 28 દિવસની માન્યતા સાથે દરરોજ અમર્યાદિત કૉલિંગ અને 2 જીબી ડેટા ઉપલબ્ધ છે.

એરટેલે કહ્યું કે તેમનું માનવું છે કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ માટે નાણાકીય રીતે મજબૂત બિઝનેસ મોડલને સક્ષમ કરવા માટે એવરેજ રેવેન્યૂ પર યૂઝર એટલે, ARPU 300 રૂપિયાથી ઉપર હોવું જોઈએ. અમે એન્ટ્રી લેવલ પ્લાનમાં 70 રૂપિયા પ્રતિ દિવસનો વધારો કરી રહ્યા છે.

એરટેલના રિચાર્જ પ્લાનમાં વધારાને કારણે આજે એનો શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. ટ્રેડિંગ દરમિયાન શેર 1,536 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો, જોકે હાલમાં એ 0.46%ના ઘટાડા સાથે 1,467 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ વર્ષે સ્ટોક 44% વધ્યો છે.

એક દિવસ પહેલાં, રિલાયન્સ જિયોએ તેમના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15% થી 25% વધારો કરવાની જાહેરાત કરી હતી. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. હવે 239 રૂપિયાનો પ્લાન 299 રૂપિયામાં ઉપલબ્ધ થશે. સૌથી સસ્તો પ્લાન 155 રૂપિયાનો હતો, જે 189 રૂપિયામાં ઉપલબ્ધ થશે.