પાલનપુર તાલુકાના વેડંચા ગામે ક્રિકેટ રમતો કિશોર દડો લેવા માટે મંદિરના દરવાજા ઉપર ચઢી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે પગ લપસી જતાં લોખંડનો અણીદાર સળીયો ગુદા નજીક ઘૂસી ગયો હતો. જેનું પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જેના મૃતદેહની પરિવારજનોએ ભારે હ્દયે અંતિમ વિધી કરી હતી.
પાલનપુર તાલુકાના વેડંચા ગામે મનન કિશોરભાઇ ભાટીયા (ઉ.વ. 11) શુક્રવારે મિત્રો સાથે ગામના મંદિરમાં ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાન દડો બહાર જતાં તે લેવા માટે મંદિરના દરવાજા ઉપર ચઢી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે અચાનક પગ લપસી જતાં દરવાજાનો લોખંડનો સળીયો મનનના ગુદા નજીક ઘૂસી ગયો હતો. જ્યાં દોડી આવેલા લોકોએ સળીયો કાઢી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મનનનું મોત થયું હતુ. ભારે હ્દયે પરિવારજનોએ અંતિમ વિધી કરી હતી.
આ અંગે અરવિંદભાઇ ભાટીયાએ જણાવ્યું હતું કે, બે બહેનો વચ્ચે એકના એક ભાઇનું નિધન થયું છે. અન્ય કોઇનો લાડકવાયો છીનવાઇ ન જાય તે માટે મંદિર અને શાળાની દીવાલો, દરવાજા ઉપરના અણીયાળા સળીયા દૂર કરવા જોઇએ.બનાસકાંઠા દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈએ જણાવ્યું બે શાળાઓ માટે પરિપત્ર થયો, ધાર્મિક સ્થળો માટે થવો જોઇએ.